________________
આવે ને મહિને-મહિને રૂપિયા વીસ દેવા એ તે કંઈ પોસાય ? બાપુ, આપણું તો રાજ કહેવાય. કોઈક મહિને રૂપિયા હોય અને કોઈક મહિને ના પણ હોય. ત્યાં આવું ડીંડવાણું પોસાય નહીં. આ તો કોઈ વાર તું રાજની આબરૂ લે. અહીં તો ખળાં ભરાય ત્યારે નાણાં આવે. વળી કોઈ વાર મહેસૂલ મોડું આવ્યું, રાજમાં લગન આવ્યાં ને ખર્ચો થયો. તિજોરીમાં તાણ હોય અને તમને મહિનેમહિને વીસ ન આપીએ તો તમે અમારી નાલેશી કરો કાં ? નોકરી કરવી હોય તો વરસનો પગાર બાંધી આપીશું.”
માણેક કહે, “તમે કહો તે મારે કબૂલ છે.”
માવજીભાઈ કહે, “શું કબૂલ છે ! ખાખ કબૂલ છે ? એક વરસ સુધી પાઈ માગવાની નહિ કે વધારો માગવાનો નહીં.”
માણેક કહે, “એય કબૂલ.”
માવજીભાઈ કહે, “જો, બાપુ દયાના દરિયા છે. પણ એમ ભોળવી શકો નહીં. મહિને વીસ-વીસ આપવાનું નહીં બને. બાર મહિને રૂપિયા પાંચસો મળશે. એટલામાં રોળવવું હોય તો રોળવો. નહીં તો માંડો હાલવા. કેમ બાપુ, બોલ્યા નહીં ?”
“સાવ સાચું, કામદાર.”
“તો બાપુ, એને નોકરીનો લેખ કરી દો અને બાર મહિનાનું આપી દો. એનાં બૈરાં-છોકરાં રોટલા ભેગાં થાય અને એ કામ કરતો થાય. પછી બાર મહિના સુધી આપણે એનું મોઢું બાળવું મઢ્યું. જાવ, જાવ, નોકરીએ લાગો. રૂડો પ્રતાપ માનજો બાપુનો અને સારું કામ કરી બતાવો.”
માણેકલાલને પાંચસો રોકડા સાથે નોકરી મળી. માવજીભાઈને અડધો ભાગ મળ્યો અને વટના કટકા બાપુને મળી વાહ-વાહ !
મોતીની માળા @ ૭૪