________________
મગન કહે, “મુખી, તમારા મોંમાં સાકર. પણ જોજો, પછી મને નોંધારો (એકલો) મૂકી દેતા નહીં. નહીં તો મારે કૂવો શોધવો પડશે.”
ખેમો પટેલ કહે, “અરે ! એક વાર તારો સસરો લાડ કરે તો ત્યાં ને ત્યાં બીજી કન્યા લાવી ફેરા ફેરવી દઈએ, પણ નાક જવા ન દઈએ, સમજ્યો ?”
કૃષ્ણ ગોર કહે, “અલ્યા, હું ગોર જેવો ગોર બેઠો છું ને બીએ છે શું ? જો, તું કહે તો વેદના મંતર એવા ભણું કે ધરતી ફાટે ને વહુ આખી ને આખી પ્રગટ થાય.”
આમ આખું ગામ ટોળ (મજાક) કર્યા કરે. એમાં સઈ, સુતાર, કુંભાર અને વાળંદ પણ ભળ્યા.
મગન સહુની વાત સાંભળે અને ભાબાપા કરે. એમાં એક દિવસ મગન આવ્યો : “શેઠ, તમારે આવવું પડશે, હોં.” “ક્યાં ?”
“શેઠ, વાત ખાનગી છે. ચોળીને ચીકણું કરીએ તો વાત ટળી જાય, પણ મારો જોગ ખાય છે.”
“એમ ?”
હા, શેઠ. એમાં તમારે આગળ થાવું પડશે. બધું પાકું છે. સાંજે જાન જોડવી છે. બે કલાકમાં વેવાઈના ગામ-ભેગા. રાતે લગન અને સવારે તો પાછા.”
“આવું ઘડિયાં લગન જેવું ?”
“શેઠ ! ગરીબ માણસની બિચારાની પછેડી કેટલી ? સોડ હોય એટલી લાંબી કરીએ, પણ તમારે આવ્યા વિના નહીં ચાલે. આપની બે દીકરીઓ વખતે મારા પગ ઘસાઈને ગોઠણે આવ્યા છે, હોં ! આ એ દાખડો મેં શું કામ કર્યો ? મારી વેળાએ તમે આવો એટલે.”
“આવશું જા. એક રાતનું કામ છે ને ? આવશું.”
૫૧ @ મગનની જાન