________________
ભણી બંદૂક ધરી, પણ હું તો એમ ને એમ સામો ગયો. સાવજને જોરથી એક એવો તમાચો માર્યો કે એના બે દાંત તોડી નાખ્યા ! એ તો પૂંછડી દબાવીને જાય ભાગ્યો.”
“આ નાગનેશમાં બે આડોડિયા ફાટ્યા હતા. ફોજદારનેય દાદ ન દે. ફોજદાર કહે, “પગી, હવે શું કરીશું ?' કહ્યું, “એમાં શી મોટી ધાડ મારવાની છે ? હાલો, હું તમારી ભેગો આવું છું, આ ગયો ભેગો ને કાન પકડીને ફોજદારને સોંપી દીધા.”
આ ઉગમણિયું ગામ ભાંગવાને આવ્યો હતો રહેમતુલ્લો બહારવટિયો. ગામના પાદરમાં બાર કર્યા તે દી' હું ભોગેજોગે ગામમાં એકલો બારો નીકળ્યો. બે'ક ભડાકા કર્યા ત્યાં બહારવટિયા ગામ મૂકીને ભાગી ગયા. મુખી, જમાદાર અને પટેલ આવ્યા. ગામલોકો ભેગા થઈ ગયા. બધા કહે, ‘પગી, તમે અમારું ગામ બચાવ્યું, નહીંતર આ કાળઝાળ બહારવટિયાનો સામનો કરવાનું અમારું શું ગજું ?' મેં કહ્યું, ‘સામે ભડ હોત તો વળી ધીંગાણામાં રંગલો જામત. આ તો સાવ ડરપોક નીકળ્યા. એક ડારો દીધો ને ભાગી ગયા.”
આમ પગી રોજ ડેલીએ બેસીને વાતો કરે. સાંભળનારા સહુ એની વાત રસથી સાંભળે. આખા ગામમાં એવું મનાય કે આપણા ગામના જીવા પગી જેવો મરદ આ ધરતી પર કોઈ થયો નથી અને બીજો કોઈ હવે થાશેય નહીં.
આ ગામના શેઠ હીરા શેઠ. એમના દીકરા માણેકનાં લગન.
ઝાઝી જાન જૂતવાની. જાન પૈસાદારના ઘરની એટલે જાનૈયા પણ કસવાળા હોય. જાનડીઓ પણ ઘરેણાં-ગાંઠવાળી હોય.
પંથ પણ ઠીક-ઠીક લાંબો અને માર્ગમાં બહારવટિયાનો ભય પણ ખરો.
શેઠને થયું કે જાનમાં જીવા પગીને સાથે લીધા હોય તો પછી કશીય વાતનો ડર રહે નહીં.
હીરા શેઠને અને જીવા પગીને વર્ષોની મહોબત. પાંત્રીસ વર્ષથી ખાતુંપતરું ચાલે. દીકરા-દીકરીઓનાં ટાણાં આવ્યાં, પણ રંગેચંગે પતી ગયાં. રૂડો
મોતીની માળા @ ૨૦