________________
શેઠ સૂતા ખરા, પણ બહાર હજાર રૂપિયાની ઘોડી બાંધેલી, તે ઊંઘ શેની આવે ?
પહેલા પહોરના છેડે શેઠ જાગ્યા. ઓરડીનું બારણું ઉઘાડીને બહાર નીકળ્યા. ખોંખારો ખાધો. રમજુમિયાંએ સામે ખોંખારો ખાધો.
શેઠે પૂછયું, “કેમ ચોકીદાર ! જાગો છો કે ?” “જી સાહેબ !” ચોકીદારે જવાબ આપ્યો. “શું કરો છો ?” “વિચાર કરું છું. બહુ મોટો વિચાર છે.” “એવડો તે મોટો શો વિચાર છે ?”
રમજુમિયાં કહે, “શેઠ, જાગતાં-જાગતાં મન વિચારે ચડ્યું છે. મને એક એવો વિચાર આવે છે કે ખુદાતાલાએ કેવું સપાટ આસમાન બનાવ્યું છે ! નહીં ખાડો, નહીં ખડિયો. ભલા, એણે કેવી રીતે રંધો માર્યો હશે ? અને આસમાનનો પડેલો છો બધો ક્યાં નાખ્યો હશે ?”
શેઠને થયું કે વિચાર તો ઘણો મોટો છે. તરતમાં એનો તાગ આવે એમ નથી એટલે એ નિરાંતે સૂતા.
શેઠની ઊંઘ બરાબર જામે નહીં. બીજા પહોરે ઊઠીને બહાર આવ્યા. ખોંખારો ખાધો. રમજુમિયાંએ ખોંખારાનો જવાબ ખોંખારાથી આપ્યો.
શેઠ કહે, “ક્યું, ચોકીદારજી ?” “જી. વિચાર કરું છું.” “શેનો ?”
રમજુમિયાં કહે, “શેઠ, એક લાખનો એક વિચાર છે. આ મને એમ થાય છે કે માલિકે આટલા મોટા દરિયા બનાવ્યા તો એટલા મોટા ખાડામાંથી માટી કેટલી નીકળી હશે ? ને એ બધી માટી ક્યાં નાખી હશે ?”
મોતીની માળા છ ૪૨