________________
રોટલા અને દૂધ જ કરજો ને !”
આમ પરસોત્તમભાઈને વૈદ્ય ઠીક ફળ્યા હતા અને યજમાન પણ મહેમાનની તબિયત જાળવે. પરસોત્તમભાઈને વારંવાર જેતપુર જવાનું થાય.
જ્યારે જેતપુર જાય, ત્યારે કામદારને ત્યાં ઊતરે. કામદારને ત્યાં ન ઊતરે, તો પછી કામદારને ખોટું લાગે ને !
ધોરાજી ગામ મોટું તો ખરું, પણ એનો વેપાર બધા ગામના વેપારીઓનો જ. આ વેપારીઓ જેતપુર અને રાજકોટ જેવા શહેરમાંથી ચીજવસ્તુ લાવે અને આસપાસનાં ગામડાંમાં વેચે. આથી ધોરાજી માટે બહારનો જેટલો જાવરો, એના ચોથા ભાગનોય આવરો નહીં.
ધોરાજીવાળાને જેતપુરમાં ઘણાં કામ નીકળે. જેતપુરવાળાને ધોરાજીમાં તો ક્યારેક જ કામ નીકળી આવે. આથી પરસોત્તમભાઈનો ઉંબરો મહેમાનોથી ઘસાયેલો નહીં, પણ પોતે તો છાશવારે પારકે પાટલે પહોળા થાય ખરા.
એમાં એક દિવસ ભગવાનનું કરવું તે જેતપુરવાળા પરસોત્તમભાઈના યજમાન કામદારને ધોરાજીનું કામ નીકળ્યું. એમણે પરસોત્તમભાઈને કાગળ લખ્યો.
પરસોત્તમભાઈ મૂંઝાયા. પોતાની ઘરવાળીને કહે : “ઓલ્યો, જેતપરવાળો કામદાર અહીં ટળવાનો છે. નકામી પાંચ રૂપિયાની ઉઠાડશે.”
ઘરવાળીનેય આ વિધાન વાજબી લાગ્યું. પરસોત્તમભાઈ વારંવાર ઘરવાળીને એક જ ગૃહજ્ઞાન આપતા : ‘હાડકાં ભાંગ્યાં સાજો થાય, પણ કાંઈ રૂપિયો ભાંગ્યો સાજો થાય?’ આ ગુરુજ્ઞાનની છાયામાં ઊછરેલી ઘરવાળીને પાંચ રૂપિયાનું ખર્ચ પણ માથાના ઘા જેવું લાગ્યું.
પરસોત્તમભાઈ કહે, “હવે એને ઘેર જઈને મહેમાનગતિ માણી આવીએ છીએ, તે અહીં આવીને મહેમાનગતિ માણ્યા વગર થોડો રહેશે ?” - પરસોત્તમભાઈ અને એમનાં પત્નીને લાગ્યું કે મહેમાન આવીને નકામો ખર્ચો કરાવે એ તો પોસાય જ નહીં, માટે કંઈક પેચ કરવો જોઈએ.
મોતીની માળા @ ૭૨