________________
૪૧
લોકમાં રહેલા ઉજ્જવળધર્મસંપત્તિયુક્ત મહાપુરુષો તેનો આશ્રય લે છે. એ તીર્થને અર્થથી પ્રરૂપનાર તીર્થંકર છે, તેથી તીર્થકરો જગતને હિત કરનારા, સુખ કરનારા અને ગુણ કરનારા ઇત્યાદિ તરીકે પ્રસિદ્ધ છે. | તીર્થકરોનું તીર્થ અવિસંવાદિ હોવાથી જો અચિજ્યપ્રભાવ અને શક્તિથી યુક્ત હોય, તો પછી તેવા અવિસંવાદિ તીર્થની સ્થાપના કરનારા, સ્વયં પ્રરૂપનારા, સૌથી પ્રથમ અર્થથી કહેનારા તીર્થકરોનો પ્રભાવ અને સામર્થ્ય અચિજ્ય હોય એમાં શંકા જ શી ?
અચિન્ત્રપ્રભાવયુક્ત તીર્થના આસેવનથી જેમ ભાવદાહોપશમાદિ કાર્યો સિદ્ધ થાય છે, તેમ અચિન્તપ્રભાવસંપન્ન તીર્થંકરોના આસેવનથી પણ તે કાર્યો સિદ્ધ થાય જ. તીર્થકરોનું આસેવન એટલે તેમના નામનો મંગળ જાપ, તેમના રૂપનું પવિત્ર દર્શન, તેમના ચારિત્રનું ઉત્તમ શ્રવણ અને તેમના ઉપદેશનું સક્રિય પાલન. એ સિવાયની બીજી જે કોઈ રીતો છે, તે આ ચારમાં એક યા બીજા પ્રકારે સમાવેશ પામી જાય છે. જેટલો પ્રભાવ તીર્થકરોનો તેટલો જ પ્રભાવ તેમના નામનો, તેમના રૂપનો, તેમના ચારિત્રનો અને તેમના ઉપદેશ આદિનો માનવો જોઈએ. તીર્થકરો લોકમાં મંગળ છે, તો તેમનું નામ પણ લોકમાં મંગળ છે. તીર્થકરો લોકમાં ઉત્તમ છે, તો તેમનું નામ પણ લોકમાં ઉત્તમ છે. તીર્થકરો લોકમાં શરણભૂત છે, તો તેમનું નામ પણ લોકમાં શરણભૂત છે. તીર્થકરોનાં નામના મંગળજાપ દ્વારા તીર્થકરોના ગુણોનું ઉત્કીર્તન થાય છે. નામની પવિત્રતા અને મંગળમયતા :
તીર્થકરો, ભરત, ઐરાવત ક્ષેત્રોના દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોવીશ-ચોવીશ થાય છે તથા ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ વિચરતા હોય છે, તેમને વિહરમાન જિન” કહેવાય છે. લોગસ્સસૂત્રમાં મુખ્યત્વે આ ભરતક્ષેત્રની આ અવસર્પિણીના ત્રીજા ચોથા આરામાં થયેલા ચોવીશ તીર્થકરોના નામનું સાક્ષાત્ ઉત્કીર્તન કરવામાં આવ્યું છે. મહાપુરુષો ફરમાવે છે કે તીર્થકરોનાં નામનું કીર્તન કરવાથી કરોડો વર્ષનાં તપનું ફળ મળે છે, કષ્ટો અને વિહ્નો ટળે છે, મંગળ અને કલ્યાણની પરંપરા આવી મળે છે, દુર્જનોનું ચિંતવેલું નિષ્ફળ જાય છે, દુર્ગતિનાં કારોનું રોકાણ અને સદ્ગતિનાં દ્વારોનું ઉદ્ઘાટન થાય છે, મહિમા-મોટાઈ વધે છે, સર્વકામનાઓ સિદ્ધ થાય છે અને આત્મોદ્ધારનું કાર્ય સુલભ બને છે. એ કારણે તીર્થકરોનું નામ એ પરમ નિધાન છે અને અમૃતનો કુંભ છે. મયૂરને મન જેમ મેઘ, ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમળ અને કોકિલને મન જેમ આમ્રવૃક્ષની મંજરી, તેમ ગુણરસિક ભવ્ય જીવોનાં મનને તીર્થંકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરોનું નામ લેનારને નવ નિધાન ઘરમાં, કલ્પવેલડી આંગણે અને આઠ મહાસિદ્ધિ ઘટમાં પ્રગટે છે. તીર્થકરોના પવિત્ર નામનું ગ્રહણ કરવાથી કોઈ પણ જાતના કાયકષ્ટ વિના જ ભવજલધિથી પાર પમાય છે, તેથી મહાપુરુષો નામ ગ્રહણમાં સદા તત્પર રહે છે. વળી મહાપુરુષો ફરમાવે છે કે, સીતાને મન જેમ રામ, રવિને મન જેમ કામ, વેપારીને મન જેમ દામ અને પંથીને મન જેમ ધામ તેમ મુમુક્ષુમાત્રને મન પ્રભુનું નામ અતિપ્રિય હોય છે. તીર્થકરોનાં નામકર્તનરૂપી લોકોત્તર અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાળ નાશ પામે છે અને અજરામરપદની પ્રાપ્તિ સુલભ અને સુકર બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org