________________
૪૪ સિદ્ધિગતિને પામે છે' એ વાક્યથી ઉપલક્ષિત થાય છે કે સિદ્ધિગતિ ન મળે ત્યાં સુધી પ્રત્યેક જન્મની અંદર સિદ્ધિના સાધનભૂત દ્રવ્ય-ભાવ આરોગ્ય, બોધિલાભ અને સમાધિની સામગ્રીઓ પણ પ્રાપ્ત થાય છે. ભગવાનની પ્રાર્થનાથી આ વસ્તુઓની સિદ્ધિ થતી હોવાથી ભગવાન જ તેને આપનારા છે, એવો વાણીનો પ્રયોગ સાર્થક છે, તેને શાસ્ત્રોમાં ચતુર્થ ભાષા કહી છે, જે સત્ય નથી, તેમ અસત્ય પણ નથી. સત્ય એટલા માટે નથી કે રાગ દ્વેષ રહિત એવા તીર્થંકરભગવંતો પ્રાર્થના કરવામાં આવે તો પણ નિશ્ચય દૃષ્ટિએ ફળ આપનારા થતા નથી. અસત્ય એટલા માટે નથી કે તેમને ઉદ્દેશીને પ્રાર્થના કરનારને અવશ્ય તેનું ફળ મળે છે, તેથી વ્યવહાર દૃષ્ટિએ તેઓ આપનારા છે. જે સત્ય પણ ન હોય, અસત્ય પણ ન હોય અને સત્ય-અસત્યરૂપ મિશ્ર પણ ન હોય તેને ચતુર્થ (વ્યવહાર-ભાષા) કહેવામાં આવે છે. અહીં વ્યવહારનો અર્થ માત્ર બોલવા માટે છે એમ નહીં પણ કાર્ય કરવા માટે સમર્થ છે, એમ બતાવવા માટે છે. વ્યવહારભાષા કાર્યકરી (Not theoretical but practical) છે. સત્ય-અસત્યાદિ ભાષાઓ એ વસ્તુની યથાર્થતાઅયથાર્થતા આદિને બતાવનારી છે, જયારે આ ચોથી વ્યવહાર ભાષા વસ્તુનું વર્ણન કરવા માટે નથી પણ વસ્તુથી થતાં કાર્યને જણાવવા માટે છે. લોગસ્સસત્રની છેલ્લી ગાથા –
લોગસ્સસૂત્રની છેલ્લી ગાથા પોતાનું આખું મહત્ત્વ ધરાવે છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને સાગર જેવા મહત્ત્વના શબ્દો વપરાયા છે. આગમિક દૃષ્ટિએ જેમ તેનું મહત્ત્વ છે તેમ તાત્રિક દષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે. પ્રકાશક પદાર્થોમાં ચંદ્ર અને સૂર્યની સવિશેષ ગણના છે, તેમ ગંભીરતા, વિશાળતા અને અથાગતાની દષ્ટિએ સમુદ્ર અને તેમાં પણ સ્વયંભૂરમણસમુદ્રનું એથી પણ વિશેષ મહત્ત્વ છે. લોગસ્સસૂત્રમાં તીર્થકરોની જે નામગ્રહણપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે, તે તીર્થકરોનું ચરિત્ર ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ છે, તેમનું જ્ઞાન સૂર્યોના પ્રકાશ કરતાં પણ વધારે પ્રકાશવંતું છે અને તેમનું ગાંભીર્ય અને ઉંડાણ સાગરોમાં સર્વશ્રેષ્ઠ એવો જે સ્વયંભૂરમણ સમુદ્ર તેના કરતાં પણ અધિક છે, આથી વિશેષ ઉપમા સાહિત્યશાસ્ત્રમાં મળવી દુર્લભ છે, એવી ઉત્તમ ઉપમાઓથી શોભતા, સિદ્ધિગતિને પામેલા અને અષ્ટકર્મથી નિર્મુક્ત થયેલા તીર્થકરોની સ્તુતિ આ ગાથામાં કરી છે અને તેના ફળસ્વરૂપ સ્તુતિ કરનારને પણ સિદ્ધિગતિની પ્રાપ્તિ થાય એવી આશંસા વ્યક્ત કરવામાં આવી છે. અહીં આશંસા માત્ર ઇચ્છારૂપ છે એમ નહીં પણ પ્રબળ આશારૂપે વ્યક્ત કરવામાં આવી છે. સિદ્ધિગતિ પામેલા તીર્થકરોમાં સ્તુતિ કરનારને સિદ્ધિપદ આપવાનું અવંધ્ય સામર્થ્ય છે, તેનો સ્વીકાર કરીને આ પ્રાર્થના થયેલી છે, તેથી માત્ર ઇચ્છા કે આશંસા જ નહિ પણ સ્તુતિ કરનારના હૃદયમાં સિદ્ધિગતિની પ્રાપ્તિની પ્રબળ પ્રતીતિ પણ કરાવે છે. જેઓને જે ગુણની સિદ્ધિ થયેલી હોય, તેઓમાં તે ગુણ બીજાને પમાડવાની શક્તિ હોય જ છે, એ નિયમનું અહીં પ્રતિપાદન થયેલું છે. મોક્ષમાર્ગમાં તીર્થકરોનું આલંબન એ પરમપ્રકૃષ્ટ આલંબન ગણાય છે, તેમાં પણ આ જ કારણ છે. જેને જે ગુણ સિદ્ધ થયો હોય તેને તે ગુણની પ્રાપ્તિ માટે અવલંબન બનાવવામાં આવે તો તે અવલંબન પુષ્ટાવલંબન બને છે. લોગસ્સસૂત્ર આ રીતે મુક્તિમાર્ગમાં પ્રસ્થિત થયેલા ભવ્ય જીવોને અવશ્ય કર્તવ્ય તરીકે આવશ્યક સૂત્રમાં દાખલ કરવામાં આવ્યું છે, તેની ચરિતાર્થતા આથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org