________________
ટિપ્પણ
૬૧
આદિ)ના સ્વામિત્વવિષે ‘વિશેષાવશ્યક' આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન છે, તેનો સારાંશ ‘નમસ્કાર મહામંત્ર’ ગ્રંથમાં નીચે મુજબ આપેલ છે :
‘નૈગમનય તથા વ્યવહારનયના અભિપ્રાય નમસ્કારનો સ્વામી ‘નમસ્કાર્ય’ આત્મા છે, કિંતુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી; કારણ કે—દાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિંતુ ગ્રાહકની કહેવાય છે, તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે. તેથી તે પૂજયનો જ ગણાય છે અથવા ‘નમસ્કા૨’ એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે, તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે, માટે તેને ઘટનો ધર્મ કહેવામાં આવે છે, તેની જેમ ‘નમસ્કાર' પણ ‘નમસ્કાર્ય’ની પ્રતીતિ કરાવનાર હોવાથી, ‘નમસ્કાર્ય’નો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો. અથવા ‘નમસ્કાર’નો પરિણામ ‘નમસ્કાર્ય’નું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ ‘નમસ્કાર્ય' ના નિમિત્તે ઉત્પન્ન થનાર ‘નમસ્કારનો’ પરિણામ પણ ‘નમસ્કાર્ય’નો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. ‘મારા દાસે ખર ખરીદ્યો,' એ વચનના અર્થમાં દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ ‘ખર'ના સ્થાને ‘નમસ્કાર' અને ‘દાસ’ના સ્થાને તેનો ‘કરનાર’ ઉભય ‘નમસ્કાર્ય’ એવા પૂજ્ય અર્હદાદિકના જ છે. એ કારણે પણ નમસ્કાર, નમસ્કાર કરનારનો નથી, કિંતુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે : એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રીજીનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રીજિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે.”
चंदेसु निम्मलयरा :—
‘ચંદ્ર કરતાં વધારે નિર્મળ' એમ ન કહેતાં ‘ચંદ્રો કરતાં વધારે નિર્મળ' એમ કહેવાનું કારણ એ છે કે આ વિશ્વમાં એક ચંદ્ર કે એક સૂર્ય નથી, પરંતુ અસંખ્યાત ચન્દ્રો તથા અસંખ્યાત સૂર્યો છે. જંબુદ્વીપમાં બે સૂર્ય તથા બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં આઠ ચંદ્ર અને આઠ સૂર્ય છે. કાલોદસમુદ્રમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે. અર્ધપુષ્કરવર દ્વીપમાં સોળ ચંદ્ર અને સોળ સૂર્ય છે અને ત્યાર બાદ મનુષ્યલોકની બહાર દરેક દ્વીપ અને સમુદ્રમાં એક એક કરતાં બમણા ચંદ્ર અને સૂર્ય છે. જે સર્વનો સરવાળો કરતાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો થાય છે. આ સર્વ ચંદ્રો કરતાં ય શ્રી જિનેશ્વર દેવો વધુ નિર્મળ છે અને આ સર્વ સૂર્યો કરતાં ય વધારે તેજસ્વી છે.
સ્વયંભૂરમણસમુદ્ર એ લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો બાદ સૌથી છેલ્લે આવેલો અસંખ્યાત યોજન પ્રમાણનો મહાસમુદ્ર છે કે જે મહાગંભીર છે, જેનો પાર પણ પામી ન શકાય તેવો છે. શ્રીજિનેશ્વરદેવ તે સર્વ સમુદ્રોથી વિશાલ અને ગંભીર હોવાથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે.
* પૂ. પં. શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યકૃત ‘નમસ્કારમહામંત્ર' પૃ. ૧૫૧-૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org