________________
શ્રી ચિદાનંદજી કૃત અધ્યાત્મ બાવની-સાથે
(ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) માયાજાળ તું મૂક પર, શ્રુત ચારિત્ર વિચાર; ભવજળ તારણ પોત સમ, ધર્મ હૈયામાં ધાર. ૧ ધર્મ થકી ધન સંપજે, ધર્મે સુખિયા હોય; ધર્મે યશ વાધે ઘણો, ધર્મ કરો સહુ કોય. ૨ ધર્મ કરે જે પ્રાણિયા, તે સુખિયા ભવમાંહ; જગમાં સહુ જી જી કરે, આવી લાગે પાય. ૩ ધર્મ ધર્મ સહુ કો કરે, ધર્મ ન જાણે કોય; ધર્મ શબ્દ જગમાં વડો, વીરલા બુજે કોય. ૪
અધ્યાત્મ બાવની-અર્થ હે આત્મા ! તું માયાજાળને છોડી દે, શ્રત અને ચારિત્રનો વિચાર કર, સંસાર-સમુદ્રને તારવામાં વહાણ સમાન ધર્મને હૃદયમાં ધારણ કર. ૧
ધર્મથી ધન પેદા થાય છે, જીવ ધર્મથી સુખી થાય છે, ધર્મથી ઘણો યશ વધે છે, માટે સર્વ કોઈ જીવો ધર્મ કરો. ૨
જે પ્રાણીઓ ધર્મ કરે છે, તે સંસારમાં સુખી થાય છે. જગતમાં સૌ “જી જી' કરે છે, અને આવીને પગમાં પડે છે-નમન કરે છે. ૩
બધા લોક “ધર્મ ધર્મ કરે છે, પણ કોઈ ધર્મને જાણતું નથી. “ધર્મ' શબ્દ જગતમાં મોટો છે. કોઈ વીરલા આત્માઓ જ ધર્મને સમજે છે. ૪