________________
હિતશિક્ષા-સાર્થ
તું સહુમેં સહુથી સદા, ન્યાલા અલખ સરૂપ; અકથ કથા તેરી મહા, ચિદાનંદ ચિતૂપ. ૧૯ જનમ મરણ જિહાં હૈ નહીં, ઈત ભીત લવલેશ; નહીં શિર આણ નરિંદકી, સોહી આપણા દેશ. ૨૦ વિનાશિક પુદ્ગલ દિશા, અવિનાશી તું આપ; આપા આપ વિચારતાં, મિટે પુણ્ય અરુ પાપ. ૨૧ બેડી લોહ કનકમયી, પાપ પુણ્ય યુગ જાણ; દોઉથી ન્યારા સદા, નિજ સરૂપ પહિચાણ. ૨૨ જુગલ ગતિ શુભ પુણ્યથી, ઇતર પાપથી જોય; ચારું ગતિ નિવારીએ, તબ પંચમગતિ હોય. ૨૩
તું સર્વમાં સર્વથી ન્યારો હંમેશાં છે, તારું સ્વરૂપ અલક્ષ્ય છે, તારી મોટી કથા અકથ્ય છે, તું ચિદાનંદ છે, અને જ્ઞાનમય સ્વરૂપવાળો છે-જ્ઞાનસ્વરૂપ છે. ૧૯
જે પ્રદેશમાં જન્મ-મરણ નથી, કોઈ ઇતિ (દુષ્કાળનાં કારણો) નથી, લવલેશ જ્યાં ભીતિ (ભય) નથી, જ્યાં મસ્તકે રાજાની આજ્ઞા નથી, તે (મોક્ષ) આપણો દેશ છે. ૨૦
પુગલની દશા વિનાશશીલ છે, તું (આત્મા) પોતે અવિનાશી છે, આત્મા દ્વારા આત્માનો વિચાર કરવાથી પુણ્ય અને પાપકર્મો નાશ પામે છે. ૨૧
પુણ્ય અને પાપ એ બંને લોઢાની અને સોનાની બેડી છે, પોતાનું (આત્માનું) સ્વરૂપ એ બંનેથી અલગ છે, તે પોતાના સ્વરૂપને તું ઓળખ. ૨૨
પુણ્યથી બે શુભ ગતિ (મનુષ્ય અને દેવ) મળે છે, પાપથી બે અશુભ ગતિ (નરક અને તિર્યંચ) મળે છે. જ્યારે ચારે ય ગતિને નિવારીએ-દૂર કરીએ ત્યારે પાંચમી ગતિ મોક્ષ થાય છે. ૨૩