________________
દયા છત્રીશી-સાર્થ
૯૧ ખગ ઉપાય મનમેં ધરો, ધર્મોપગરણ જેહ; વરજીત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલ વિષય મનવૃત્તિ જે, બંભ તેહ સુપવિત્ત; હોય અનુત્તર દેવને, વિષય-ત્યાગનું ચિત્ત. ૧૨ એહ દશવિધ યતિધર્મ જે, આરાધે નિત્યમેવ; મૂલ ઉત્તર ગુણ જતનથી, કીજે તેહની સેવ. ૧૩ અંતર જતના વિણ કિસ્યો, વામ ક્રિયાનો લાગ? કેવલ કંચુક પરિહરે, નિરવિષ ન હુવે નાગ. ૧૪
પક્ષીની જેમ ઉપાય મનમાં ધારણ કરો. (જેમ પક્ષી કોઈપણ પ્રકારનો પરિગ્રહ રાખતા નથી, અને ફરે છે, તેમ મુનિ મહાત્માઓ પણ કોઈપણ પ્રકારનો પરિગ્રહ ન રાખે). ધર્મોપકરણને છોડીને બીજી ઉપાધિ ન રાખે તે (૯) ભાવ અકિંચનપણું છે. ૧૧
સદાચારના વિષયવાળી જે મનની વૃત્તિ તે અતિપવિત્ર (૧૦) બ્રહ્મચર્ય છે. અનુત્તરવાસી દેવોને પણ વિષય-ત્યાગનું ચિત્ત હોય છે. ૧૨
મૂલગુણો અને ઉત્તરગુણોની યતના રાખી, જે દશ પ્રકારના યતિધર્મને હંમેશાં આરાધે છે, તે મુનિ-મહાત્માઓની સેવા કરીએ. ૧૩
અંતર ગુણોની યતના વિના બાહ્યક્રિયા કરવાથી શું ફાયદો ? ફકત કાંચળીનો ત્યાગ કરવાથી નાગ-સાપ ઝેર વગરનો થતો નથી. ૧૪