________________
દયા છત્રીશી-સાર્થ
૯૫ આતમ-સામે ધર્મ જે, તિહાં જનનું શું કામ ? જન-મન-રંજન-ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુરુચિ, રુચિ નહિ કો એક; નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દૂર રહીજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ. ૩૦ સમતાસે લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણી, ભજીયે સંજમ ચંગ. ૩૧ વાચક “જસવિજયે' કહી, એહ મુનિ-હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાથ. ૩૨
જે ધર્મ આત્મસાક્ષીરૂપ છે, ત્યાં લોકનું શું કામ છે ? લોકોના મનને ખુશ કરવારૂપ ધર્મનું મૂલ્ય એક બદામ પણ નથી. ૨૮
જગતમાં લોક જુદી જુદી રુચિવાળા હોય છે, કોઈને એક રુચિ હોતી નથી, તેથી પ્રતિજ્ઞા લઈને પોતાનું હિત થાય તેમ કરીએ. ૨૯
વિષયથી દૂર રહીએ. શ્રુતનો અભ્યાસ કરીએ. સંત પુરુષોનો સંગ કરીએ. તે સંત પુરુષોના દાસ-સેવક થઈએ. ૩૦
અધ્યાત્મનો પ્રેમ ધારણ કરીને સમતામાં લીન થઈએ. પારકાની નિંદા તજી દઈએ અને મનોહર સંયમને સેવીએ. ૩૧
શ્રી યશોવિજયજી વાચકે મુનિઓના હિત માટે આ વાત કહી છે, જે મુનિ આ વાત ભાવપૂર્વક મનમાં ધારણ કરે તે મોક્ષનો સાથ પામે. ૩૨