________________
૮૯
દયા છત્રીશી-સાર્થ
વચન ધર્મ નામે કથ્થો, તેહના પણ બિહું ભેદ; આગમ-વયણે જે ક્ષમા, પ્રથમ ભેદ અપખેદ. ૩ ધર્મક્ષમા નિજ સહેજથી, ચંદન-ગંધ પ્રકાર; નિરતિચારપણે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. ૪ ઉપકારે અપકારથી, લૌકિક વળી વિભાગ બહુ અતિચાર ભરી ક્ષમા, નહિ સંજમને લાગ. ૫ બાર કષાય ક્ષય કરી, જે મુનિ-ધર્મ લહાય; વચન ધર્મ નામે ક્ષમા, તે બહુ તિહાં કહાય. ૬
તે લોકોત્તર ક્ષમાના પણ બે ભેદ છે. ૧ વચનક્ષમા અને ૨ ધર્મક્ષમા. તેમાં આગમમાં-શાસ્ત્રમાં ક્ષમા રાખવા કહેલ છે' એ આગમના વચનથી ખેદને દૂર કરી ક્ષમા ધારણ કરવી, તે વચનક્ષમા કહેવાય. ૩
“જેમ ચંદનની ગંધ-સુવાસ સ્વાભાવિક હોય છે, તેમ આત્માનો સ્વાભાવિક ધર્મ ક્ષમા છે.' એમ સમજી ક્ષમા ધારણ કરવી, તે ધર્મક્ષમા કહેવાય. તે ક્ષમા અતિચાર વગરની હોય છે. પ્રથમ વચનક્ષમામાં અતિચાર લાગે છે. ૪
લૌકિક ક્ષમાના પણ બે ભેદ છે. ૧ ઉપકારક્ષમા (“આ મારો ઉપકારી છે” એમ જાણી ક્ષમા રાખવી તે) અને ૨ અપકારક્ષમા (“હું ક્રોધ કરીશ તો મને નુકસાન કરશે” એમ સમજી ક્ષમા રાખવી તે). તે બંને ક્ષમા ઘણા અતિચારથીદોષથી ભરેલી છે. તેમાં સંયમને અવકાશ નથી. ૫
બાર કષાય(૪ અનંતાનુબંધી, ૪ અપ્રત્યાખ્યાની, ૪ પ્રત્યાખ્યાન કષાય)ના ક્ષય થવાથી જે મુનિધર્મ પ્રાપ્ત કરીએ. ત્યાં વચનક્ષમા અને ધર્મક્ષમા ઘણી હોય છે તેમ કહ્યું છે. ૬