________________
૬૬
કપૂર મહેંક-૭
આપ આપણે રૂપમેં, મગન મમત મલ ખોય; રહે નિરંતર સમરસી, તાસ બંધ નિવ કોય. ૧૪ પરપરિણતિ પરસંગશું, ઉપજત વિણસત જીવ, મિટ્યો મોહ પરભાવકે, અચલ અબાધિત શિવ. ૧૫ જૈસે કંચુક ત્યાગથી, વિણસત નહીં ભુયંગ; દેહત્યાગથી જીવ પણ, તૈસે રહત અભંગ. ૧૬ જો ઉપજે સો તું નહી, વિણસત તે પણ નાંહિ; છોટા મોટા તું નહીં, સમજ દેખ દિલમાંહિ. ૧૭ વરણભાંતિ તોમેં નહીં, જાત પાત કુલ રેખ; રાવરંક તું હૈ નહીં, નહીં બાબા નહીં ભેખ. ૧૮
જે આત્મા મમત્વરૂપી મળનો નાશ કરી, પોતાના સ્વરૂપમાં સમરસ-સમતા ભાવથી નિરંતર રહે છે, તે આત્માને કોઈ જાતનો બંધ થતો નથી. ૧૪
પરપદાર્થનો સંગ કરવાથી પરવસ્તુની પરિણતિ ઉપજે છે અને વિનાશ પામે છે. જો પરપદાર્થનો મોહ મટી જાય તો અચલ અને અબાધિત એવો મોક્ષ થાય છે. ૧૫
જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિનાશ પામતો નથી, તેમ દેહનો ત્યાગ કરવાથી પણ આત્મા અભંગ-શાશ્વત રહે છે. ૧૬
જે (શરીર) ઉત્પન્ન થાય છે, તે તું (આત્મા) નથી, જે (શરીર) વિનાશ પામે છે, તે પણ તું (આત્મા)નથી, તું નાનો નથી કે મોટો પણ તું નથી' આ પ્રમાણે હૃદયમાં સમજીને તું જો. ૧૭
હે આત્મા ! તારામાં વર્ણની ભ્રાંતિ નથી, તારામાં જાતિ, પાંતિ કે કુલની રેખા નથી, તું રાજા કે રંક પણ નથી, તું બાબા (બાપા) નથી કે તારે કોઈ વેષ નથી. ૧૮