Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(ખ) જૈન સાહિત્યની ભૂમિકા પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમ સાહિત્યનું પોતાનું એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. આગમકાળથી શરૂ કરીને વર્તમાન સમય સુધીમાં જૈનસાહિત્ય ઘણું બધું ખેડાયેલું છે. ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં જૈનસાહિત્યનું પણ મૂલ્યવાન યોગદાન રહ્યું છે. તેમાં જૈનાગમ સાહિત્ય જૈન સંસ્કૃતિનો અક્ષય નિધિ તો છે જ, તદુપરાંત તે ભારતીય સંસ્કૃતિની અવિભાજ્ય એવી અમૂલ્ય થાપણ પણ છે. કારણ કે જૈન સંસ્કૃતિના અભ્યાસ સિવાય ભારતીય સંસ્કૃતિનો સર્વાગી અભ્યાસ થવો જ શક્ય નથી. જૈનાગમ સાહિત્ય જ્ઞાન અને વિજ્ઞાનનો, ન્યાય અને નીતિનો, આચાર અને વિચારનો, ધર્મ અને દર્શનનો, અધ્યાત્મ અને અનુભવનો અનુપમ તેમ જ અક્ષય કોષ છે.
જૈનાગમોનો મુખ્ય વિષય અધ્યાત્મ હોવા છતાં તે આનુષંગિકરૂપે વિશ્વના પ્રાયઃ સર્વી વિષયોને સ્પર્શે છે. ગણિત, ભાષા, ઈતિહાસ, ભૂગોળ, ખગોળ, વૈદ્યકીય આદિ વિષયોની માહિતી આગમોમાં જોવા મળે છે.
ડૉ. હરમન જેકોબી, ડૉ. શુબિંગ વગેરે પાશ્ચાત્ય મનીષીઓએ જૈનાગમ સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરી જાહેર કર્યું છે કે, અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત દ્વારા વિશ્વને સર્વધર્મ સમન્વયનો પુનીત પાઠ ભણાવનારું આ શ્રેષ્ઠત્તમ સાહિત્ય છે. આગમ સાહિત્ય
વૈદિક પરંપરાનું વહન કરનાર વેદ છે, બૌદ્ધ પરંપરાને વહન કરનાર ત્રિપિટક છે, તેવી જ રીતે જૈન પરંપરાનું વહન કરનાર આગમ છે. સમગ્ર જૈનસાહિત્યનો પાયો આગમ છે. ખરેખર! જૈનાગમ તે જૈન સંસ્કૃતિના વેદ છે.
જૈન દર્શનમાં ધર્મગ્રંથને આગમ કહેવામાં આવે છે. જૈનસાહિત્યમાં આગમનું સ્થાન અપૂર્વ છે. આગમ જૈનધર્મની કરોડરજ્જુ છે. જૈનધર્મનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. આગમ શબ્દ જ પવિત્ર અને વ્યાપક અર્થ ગરિમાને પોતાનામાં સમાવિષ્ટ કરે છે. આગમ એ તો સત્યના દષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ તીર્થકરોની વિમલ વાણીનું સંકલન છે.
“શ્રી અનુયોગદ્વાર સૂત્ર' તથા ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં આગમ ને માટે સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. | ‘શ્રી તત્ત્વાર્થ ભાષ્ય'માં ઉમાસ્વાતિજી મહારાજે શ્રત, આપ્તવચન, આમ્નાય, ઉપદેશ, ઐતિહ્ય, પ્રવચન અને જિનવચન આદિને આગમ કહ્યું છે. આ રીતે આગમ શબ્દના વિભિન્ન પર્યાયવાચી શબ્દો પ્રચલિત રહ્યા છે. આગમનો શાબ્દિક અર્થ
આગમ શબ્દ ‘આ’ ઉપસર્ગપૂર્વક ‘ગમ્ ધાતુથી બનેલો છે. આ = પૂર્ણ અને ગમ્ = ગતિ અથવા પ્રાપ્તિ. એટલે કે પૂર્ણ ગતિ કે પૂર્ણ પ્રાપ્તિ એવો અર્થ થાય. પૂર્ણતાની પ્રાપ્તિનો માર્ગ જેમાં