________________
અંતરમાં કોઈ જાતનો દુર્ભાવ છે ? રાજ્યની લાલસાને પણ હૃદયમાં
સ્થાન છે ? બંધુપ્રેમ અને પિતૃભક્તિ પણ હૃદયમાં કેવા ઉછાળા મારી મ રહી છે ? ઉદારતા, બંધુપ્રેમ, પિતૃભક્તિ અને નિ:સ્વાર્થવૃત્તિની વાતો કરનારાઓએ આવા મહાપુરુષના જીવનનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.
એક ધર્મી કુટુંબનું સંસ્કારી જીવન શું શું કામ કરે છે અને જીવનને કેવું નિ:સ્વાર્થી, ઉદાર અને વંઘ બનાવે છે ? એ આ ઉત્તર ઉપરથી કળી શકાય છે. જે દિવસે પોતે રાજ્ય ઉપર આરુઢ થવાના હોય તે જ દિવસે અપરમાતા આવા પ્રકારની માગણી કરે, એ અવસરે જો હૃદય ક્ષુદ્ર હોય તો શું થાય ? પણ ઉદારતા અને નિ:સ્વાર્થવૃત્તિથી છલકાતા હૃદયના ધણી શ્રી રામચંદ્રજીએ જ્યારે જાણ્યું કે મારી અપર માતા લઘુબંધુ ભરત માટે રાજ્યની માંગણી કરે છે, ત્યારે તેમના હૃદયમાં હર્ષ ઉભરાય છે. એ હર્ષના યોગે તેઓ પોતાની અપર માતાની માંગણીની પ્રશંસા કરે છે. આવી કારમી માગણી કરનાર અપરમાતા તરફ સદ્ભાવ રહેવો એ શું નાનીસૂની વાત છે ?
સભા : ના રે સાહેબ ! આવી માગણીનું પરિણામ તો ઘણું ભયંકર આવે !
પૂજ્યશ્રી : તમે કહો છો એવું ભયંકર પરિણામ તે જ કુળોમાં આવે કે જે કુળોમાં જેવો જોઈએ તેવો પ્રભુશાસનનો વાસ ન હોય. પ્રભુશાસનથી સુવાસિત કુળોમાં પૌદ્ગલિક સ્વાર્થના વિગ્રહોને સ્થાન પ્રાય: હોતું જ નથી. પૌદ્ગલિક વસ્તુઓને પર માનનાર આત્માઓ તીવ્ર કર્મના ઉદયથી પૌદ્ગલિક વસ્તુઓનો પરિત્યાગ ન કરી શકે એ બને. પણ એની ખાતર મનુષ્યપણાને ન છાજે એવા વિગ્રહો એવાઓ કરે જ નહિ, પ્રભુશાસનથી પરિણત થયેલા આત્માઓનું હૃદય એટલું અને એવું ઉદાર હોય છે કે એના યોગે માંગણીઓ સતાવતી નથી પણ સંતોષે છે.
આદર્શ પરિવારની છ આદર્શ વાતો...૧૧