________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૯૬
न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति।
परिग्रहग्रहः कोऽयं विडम्बितजगत्त्रयः ।।१।।१९३।। અર્થ : જે રાશિથી પાછો ફરતો નથી, કદી પણ વક્રતાને તજતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના પમાડી છે, એવો આ પરિગ્રહરૂપ ગ્રહ કયો છે?
વિવેચન : સો-બસો, હજાર-બે હજાર, લાખ-બે લાખ કરોડ-બે કરોડ...! અબજ...દસ...અબજ...?
બસ, આગળ જ આંક વધતો જાય, પાછું વળી જોવાની વાત નહીં! “પરિગ્રહ' નામના ગ્રહે જીવના જન્મનક્ષત્ર પર ભરડો લીધો છે. એના ઉધામા, એની તૃષ્ણા અને એની વ્યાકુળતા જોઈ છે? જો તમે સ્વયં આ પાપી ગ્રહની અસર નીચે હશો તો તમે એ ઉધામા, તૃષ્ણા કે વ્યાકુળતાની વેદના નહીં સમજી શકો. નદીના પૂરમાં તણાતો માનવી બીજા તણાતા જીવોને જોઈ શકતો નથી. કિનારે ઊભેલા પુરુષો એ જીવોની વિટંબણા, ત્રાસ અને અસહાયતા જુએ છે. “પરિગ્રહ” ગ્રહની અસરથી વિમુક્ત થયેલા મહાત્મા પુરુષો જોઈ શકે છે કે “પરિગ્રહ” ગ્રહની સર્વભક્ષી અસરમાં જીવો કેવા તરફડે છે!
ધન-સંપત્તિ અને વૈભવના ઉત્તુંગ શિખર પર આરોહણ કરવા મથી રહેલા જીવોને કરુણાસિમ્પ ઉપાધ્યાયજી કહે છે : “હે જીવ! તું આ વ્યર્થ પુરુષાર્થ ત્યજી દે. આજદિન પર્યત કોઈ માનવી કે કોઈ દેવ-દેવેન્દ્ર એ ભૌતિક સંપત્તિના શિખરે પહોંચ્યો નથી, કારણ કે એના શિખરની ટોચે પહોંચાય એમ જ નથી.. એ અનંત છે! તું એ સોહામણા દેખાતા શિખરના અરમાન ત્યજી દે. નાહક વિટંબણા શા માટે પામે છે?
અને આ પરિગ્રહની વક્રતા તો જુઓ! જીવની ઈચ્છાથી વિપરીત જ ચાલે! જેને સંપત્તિ-વૈભવનો જરા ય રાગ નથી. તેની ચારે બાજુ સંપત્તિવૈભવની દુનિયા સર્જાઈ જાય છે.... ને વૈભવ માટે વલખાં મારે છે તેનાથી તે લાખો જોજન દૂર રહે છે! પરિગ્રહ જ માનવીની ભવ્ય ભાવનાઓનું ભસ્મીકરણ કરે છે... વિવેકનું વિલીનીકરણ કરે છે... પછી જુઓ એ માનવીની વક્રતા.. એ સીધો ચાલે જ નહીં!
કોઈ ખગોળશાસ્ત્રીએ આજદિન પર્યત આ ત્રણેય જગતને અશાન્ત કરનાર “પરિગ્રહ” ની શોધ કરી નથી... એની વ્યાપક અસરોનું વિજ્ઞાન શોધ્યું નથી.
For Private And Personal Use Only