________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ
૩૧૭
આત્માનુભવ કરવા માટે આત્માનુભવીઓના સંસર્ગમાં રહેવું જોઈએ. આજુબાજુની દુનિયા જ બદલાઈ જવી જોઈએ. આત્મધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન ચાલુ થવો જોઈએ. બીજી બધી જ ઈચ્છાઓ, કામનાઓ અને અભિલાષાઓને દફનાવી દેવી જોઈએ. આ રીતે કરેલો આત્માનુભવ સંસારસાગરનો પાર પમાડે છે.
હા; આત્માનુભવોનો ઢોંગ કરવાથી નહીં ચાલે. દિવસ-રાત વિષયકષાય અને પ્રમાદમાં આળોટતો માનવી અડધો કલાક એક કલાક કોઈ એકાંત સ્થાનમાં બેસી જઈ, વિચારશૂન્ય થઈ જઈ, સોહં નો જાપ જપી લઈ, માની લે કે મને આત્માનો અનુભવ થઈ ગયો, તો તે આત્મવંચના થશે. આત્માનુભવીનું સમગ્ર જીવન બદલાઈ જાય. એને તો વિષયો વિષના પ્યાલા લાગે અને કષાયો ફણિધરની પ્રતિકૃતિ લાગે. પ્રમાદ એની પાસે પણ ન ફરકે. આહારવિહારમાં તે સામાન્ય માનવીમાંથી ઘણો ઊંચો ઊઠેલો હોય. આત્માની અનુભૂતિનો એને એટલો બધો આનંદ હોય કે એને બીજા બધાં જ આનંદ તુચ્છ લાગે. પરમાત્મસ્વરૂપને પામવા માટે આત્માનુભવ વિના બીજા બધાં જ પ્રયત્ન વ્યર્થ છે એ તાત્પર્ય છે.
ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ।
कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः । । ४ । ।२०४ ।।
અર્થ : જો યુક્તિથી ઇન્દ્રિયોને અગોચર પદાર્થો જાણી શકાય તો એટલા કાળે પંડિતોએ એ અતીન્દ્રિય પદાર્થો વિષે નિર્ણય કરી લીધો હોત,
વિવેચન : વિશ્વમાં બે પ્રકારનાં તત્ત્વો છે :
(૧) ઇન્દ્રિયોને અગોચર, (૨) ઇન્દ્રિયોને ગોચર.
સકલ વિશ્વ ઇન્દ્રિયોને અગોચર નથી, તેવી રીતે સકલ વિશ્વ ઇન્દ્રિયોને પણ ગોચર નથી. આ વાત સહુ કોઈને માન્યા વિના ચાલે એમ નથી. વિશ્વની એવી અનંત વાતો છે કે જેનો સાક્ષાત્કાર આપણી કે કોઈની ય ઇન્દ્રિયો દ્વારા થઈ શકે નહીં. આવાં તત્ત્વોને, પદાર્થોને ‘અતીન્દ્રિય’ કહેવાય.
આવા અતીન્દ્રિય પદાર્થોના સ્વરૂપનો નિર્ણય મનુષ્યો કેવી રીતે કરી શકે? ભલે મનુષ્ય વિદ્વાન હોય કે તીવ્ર બુદ્ધિશાળી હોય, વિદ્વત્તા કે બુદ્ધિ અતીન્દ્રિય પદાર્થોનું દર્શન નથી કરાવી શકતી. શું વિશ્વ ઉપ૨ આદિન પર્યંત વિદ્વાનો કે બુદ્ધિશાળીઓ પેદા નથી થયાં? શું તેઓ એક પણ અતીન્દ્રિય પદાર્થોનો સર્વસંમત નિર્ણય કરી શક્યા છે?
For Private And Personal Use Only