________________
સર્ગ-૧ પાસ થયો કેમ કે કષ કે તાપ પરીક્ષામાં સોનું એ સોનું જ રહે છે. ૭૯. જેવી રીતે કર્મશાસ્ત્રમાં નિપુણ કર્મબંધાદિક (બંધ-ઉદય-ઉદીરણા–સત્તા)નો વિચાર કરે તેમ મારે રાજ્ય ચલાવવાનું ઉત્તમ મુખ્ય લક્ષણ આનામાં છે કે નહીં તે તપાસવું જોઈએ. ૮૦. એમ વિચારીને પ્રસેનજિત રાજાએ પુત્રોને કહ્યું : શિષ્યો જેમ પોતાના ગુરુના ચરણોનું પ્રક્ષાલન કરે તેમ તમે પાણીથી ભરેલા સુવર્ણ કુંભોથી મારા ચરણોનું પ્રક્ષાલન કરો. ૮૧. ભારવાહકની જેમ ખભા ઉપર કળશ લઈને બીજા પુત્રોએ પિતાના બંને ચરણોનું પ્રક્ષાલન કર્યું. ૮૨. શ્રેણિકે પોતાના મિત્ર મંત્રીપુત્રના ખભા ઉપર સુવર્ણ કળશ મુક્યો. એમ કરીને તેણે પીંછા વિનાના મોરના બચ્ચાની જેવી ચેષ્ટા કરી. અર્થાત્ લોકમાં નિંદનીય બને તેવી ચેષ્ટા કરી. ૮૩. રાજ્યાભિષેક મહોત્સવ વખતે યુગલિકોએ જેવી રીતે દેવો વડે પૂજાયેલા શ્રી યુગાદિ પ્રભુના સૌભાગ્યશાળી બે ચરણોની પૂજા કરી હતી તેવી રીતે શ્રેણિકે પિતાના બે ચરણોની પૂજા કરી. ૮૪. શ્રેણિકના તેવા પ્રકારના આચરણને જોઈને શરીરમાં નહીં સમાતી પ્રીતિને સ્થાન આપવા માટે રાજાએ મસ્તક ધુણાવ્યું. ૮૫ અને વિચાર્યું: અહો! આનું શૌર્ય કેવું છે ! અહો! આની બુદ્ધિ કેવી છે ! અહો ! આનું નેતૃત્વ કેવું છે ! અહો! આનું સર્વ આવું અપૂર્વ છે. ૮૬.
ત્રણ પરીક્ષાથી શ્રેણીકની યોગ્યતા પૂરવાર થઈ કેમ કે ત્રણ વાર બોલીને પ્રતિજ્ઞા કરાયેલું સઘળું પણ પાકું થાય છે. ૮૭. બધા કુમારોમાં આ જ રાજ્યલક્ષ્મીને અલંકૃત કરશે. સમુદ્રોમાં ઘણાં મણિઓ છે પણ કૃષ્ણનું આભૂષણ કૌસ્તુભમણિ જ થાય છે. ૮૮. જેમ સ્ત્રીઓના હૃદયમાંથી છાની વાત પ્રગટ થઈ જાય તેમ તે નગરનાં લોકોનાં ઘરોમાંથી પ્રાયઃ અગ્નિ ઉત્પન્ન થયો. ૮૯. અમારી ઘોષણાની જેમ પટહ વગડાવીને રાજાએ આ પ્રમાણે ઘોષણા કરાવી. ૯૦. રાફડામાંથી ઉત્પન્ન થતા સાપની જેમ જેના ઘરમાંથી અગ્નિ ઉત્પન્ન થશે તેને પર્ષદામાંથી જેમ કોઢિયો દૂર કરાય તેમ નગરમાંથી બહાર કાઢવામાં આવશે. ૯૧. પછી જેના ઘરે નિરંકુશ અગ્નિ ઉત્પન્ન થયો તેને દેવલોકમાંથી સંગમદેવને બહાર કાઢવામાં આવ્યો તેમ બહાર કાઢ્યો. ૯૨.
એકવાર રસોઈયાની બેદરકારીથી રાજાના મહેલમાં અગ્નિ ઉત્પન્ન થયો. આ જગતમાં અગ્નિ અને દુર્જન સમાન છે. કેમ કે બંનેનું બાળવાનું કાર્ય સમાન છે.) ૯૩ પછી શત્રુની લડાઈની જેમ અગ્નિ પ્રજ્વલિત થયે છતે રાજાએ સુભટ જેવા કુમારોને આદેશ કર્યો-૯૪. હે પુત્રો! જે જે ગજાદિકને ગ્રહણ કરશે તે તેની માલિકીનું ગણાશે. સઘળું નાશ પામતું હોય ત્યારે તેમાંથી જેટલું બચે તે સારું છે. અર્થાત્ નહીં બચાવવામાં આવશે તેટલું અવશ્ય નાશ પામવાનું છે. ૯૫. કોઈકે હાથીને, કોઈકે ઘોડાને, કોઈકે મોતીના ઢગલાને, કોઈકે બે કુંડલને, કોઈકે ઉત્તમ ગળાના હારને, કોઈકે એકાવલી હારને, કોઈકે અંગદને, કોઈકે ઉત્તમ મુગટને, કોઈકે ઉલ્બણ કંકણને, કોઈકે માણિક્યના સમૂહને, કોઈકે સુવર્ણના ઢગલાને, કોઈકે દીનારની પેટીને, કોઈકે ચંદનના ટૂકડાને, કોઈકે કૃષ્ણાગરૂ ધૂપના સમૂહને, કોઈકે સુગંધિ કપૂરને, કોઈકે યક્ષકઈમને (કુંકુમ–અગરુ-કસ્તુરી-કપૂર અને ચંદનનું મિશ્રણ), કોઈકે ઉત્તમ ગુલાબને કોઈકે મુલાયમ રેશમી વસ્ત્રને ગ્રહણ કર્યું. (૯૬-૧૦0) એ પ્રમાણે રાજા વડે આદેશ અપાયેલ કુમારોએ લોભથી વસ્તુઓને લીધી. ઈચ્છા મુજબ વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે કોણ પાછી પાની કરે? ૧૦૧. શ્રેણિકે જાણે સ્વયં ચાલી આવનાર રાજ્યલક્ષ્મીના બાના સ્વરૂપ વિજય ઢક્કાને ગ્રહણ કરી. ૧૦૨. પછી બધા કુમારો હાથતાળી વગાડીને હસ્યા. અરે ! આણે (શ્રેણિકે) ભાંભિકને યોગ્ય એવું આ શું લીધું? ૧૦૩. પિતાએ પણ
૧. ભાંભિક: ભંભાનો વગાડનાર