________________
જૈન ધર્મ માને છે કે અનાદિ કાળથી આત્મા તેના સાચા સ્વરૂપથી અજ્ઞાન છે. અને તે કર્મના આવરણથી બંધાયેલો છે. કર્મને કારણે આત્મા એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે અને અજ્ઞાન આત્મા પોતાના રાગ અને દ્વેષ દ્વારા સુખ કે દુ:ખ ભોગવે છે અને નવા કર્મો બાંધે છે. આ કર્મમાંથી મુક્તિ મેળવવા માટે જૈન ધર્મમાં સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર - આ રત્નત્રયી માર્ગ સૂચવ્યો છે. મોક્ષના માર્ગમાં આગળ વધવા માટે દરેક વ્યક્તિમાં આ રત્નત્રયીનું સમાંતર (અભેદ) સ્થાન હોવું જોઈએ. શરૂઆતમાં દરેક વ્યક્તિએ આત્માનું અને પુદ્ગલ દ્રવ્યોનુ તથા કર્મ અંગેનું સાચું જ્ઞાન મેળવવું જોઈએ. આ જ્ઞાનથી તેને આત્માના સાચા સ્વરૂપનું ભાન થાય છે. અને પછી જ્યારે તેને તે જ્ઞાન ઉપર અતૂટ શ્રદ્ધા થાય તે સમયે તે આધ્યાત્મિક સ્થિતિને સમ્યક્ત અથવા આત્મજાગૃતિ કહેવાય છે. આ આત્માની આત્મજાગૃતિ એટલે કે સમ્યક્ત, તેને સમ્યક ચારિત્ર તરફ લઈ જાય છે. સમ્યક ચારિત્રમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. • જીવ માત્ર માટે દયા ભાવ અને અહિંસાનું આચરણ. ગૃહસ્થ જીવન
જીવવામાં ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવું. અન્ય ધર્મોની અને વ્યક્તિઓની માન્યતા અને વિચારોને સાપેક્ષ પણે સ્વીકારવા જેને અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ કહે છે. ગૃહસ્થ જીવન જીવવામાં મર્યાદિત પરિગ્રહની જરૂર છે પરંતુ પરિગ્રહ
પ્રત્યે સહેજ પણ મૂછ ન હોવી જોઇએ. • આત્મશુદ્ધિ કરવા સંયમ, તપ, અને ધ્યાનમય જીવન જીવવું. ટૂંકમાં, જૈન ધર્મ પ્રમાણે આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું છે. જીવન પ્રત્યેનો ઊંડો આદર, અહિંસા, દયાભાવ, અપરિગ્રહ અને ઈન્દ્રિયોને જીતવાથી તે પ્રાપ્ત થઈ શકે છે. આ બધા ગુણો વૈશ્વિક પ્રેમ અને જીવ માત્ર માટેની અનુકંપા દ્વારા વ્યક્ત થાય છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ