________________
૪૯
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ સદાકાળ સર્વ આત્મપ્રદેશોમાં જ્ઞાનગુણમય છે. ક્યાંય અલ્પમાત્રાએ અજ્ઞાનતાનો અંશ પણ નથી.
વેદનીયાદિ કર્મો રહિત હોવાથી ક્યારેય પણ તાવ-કેન્સર આદિ નાના રોગોથી કે મહારોગોથી આ આત્મા પીડાતા નથી એટલે કે નિરોગી છે.
તથા મોહનીયાદિ કર્મોનો સંબંધ જ ન હોવાથી સદાકાળ વિકારીભાવ વિનાના કેવળ કલ્યાણકારી પ્રકૃતિવાળા જ રહે છે.
જેમ જીવની સહાય ન હોય તો પત્થરાદિ પુદ્ગલદ્રવ્ય પોતાની રીતે નીચે જ જવાના સ્વભાવવાળું છે. તેમ શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોનો સંબંધ ન હોય ત્યારે કેવળ એકલો આત્મા ઉપર જવાના જ સ્વભાવવાળો છે તેના કારણે લોકાકાશના ઉપરના અન્તિમ આકાશ પ્રદેશોમાં જ એટલે કે સિદ્ધશિલાના ઉપરના ભાગમાં જઈને સદાકાળ માટે ત્યાં જ વસનારા છે. લોકાકાશના અન્તિમ ભાગમાં જ રહેનારા છે. જેમ પાણીમાં નાખેલો કાગળ પાણીના ઉપલા ભાગમાં જ તરે છે, તેમ કર્મ વિનાનો જીવ લોકાકાશના ઉપલા ભાગમાં જ રહે છે.
વળી ત્યાં ગયા પછી ક્યારેય પણ ફરીથી તે જીવને કર્મો લાગતાં નથી, એટલે ફરીથી ક્યારેય પણ સંસારમાં આવતો નથી. ફરીથી ક્યારેય પણ જન્મ-મરણ પામતો નથી માટે અનંતકાળ સુધી ત્યાં જ રહેનાર અને અનંત સુખવાળો હોવાથી અનંત છે.
તથા સંસારમાં જેમ ક્યારેક વધારે સુખ ક્યારેક વધારે દુ:ખ, ક્યારેક ઓછું સુખ અને ક્યારેક ઓછું દુ:ખ એમ ચડતી-પડતીને જીવ અનુભવે છે. તેમ મોક્ષમાં આવી ચડતી-પડતી હોતી નથી. તેથી નિત્ય-સદાકાળ પરમસુખને જ અનુભવે છે. તેમના સુખનું વર્ણન સંસારમાં તેની ઉપમા ન હોવાથી આપણાથી કરી શકાતું નથી. જે અનુભવે તે જ જાણે એવું પરમસુખ ત્યાં છે. ||૧૯ો