________________
૭૨
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર આત્મા જેટલા પ્રમાણમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું વિરાધન કરે છે તથા આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હિંસાદિ પાપસ્થાનકોનું આચરણ કરે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને રાગ-દ્વેષાદિ દોષોને વધારે છે, તે જીવ તેટલા પ્રમાણમાં કેવા પ્રકારના પાપોદયના કારણે આ ભવમાં રોગ-શોક-સંતાપ-વિપત્તિ અને દરિદ્રતાનાં દુ:ખો પામે છે. વળી પરલોકમાં નરક-તિર્યંચગતિ, નીચ કુલ અને શારીરિક રોગાદિ ઇત્યાદિ ઘણાં દુઃખો પામે છે તથા જન્મ-જરા અને મરણની પરંપરા વધારે છે.
ભગવાનની આજ્ઞાની આરાધના જ કલ્યાણનું કારણ છે અને ભગવાનની આજ્ઞાની વિરાધને જ દુઃખનું કારણ છે. ભગવાનની આજ્ઞાની વિરાધના જ ભવોભવમાં ભટકાવી અનેક પ્રકારનાં દુ:ખોની ઘટમાળા સર્જે છે.
સર્વે પણ તીર્થકર ભગવંતો સર્વજ્ઞ-વીતરાગ-કેવલી હોવાથી તેઓની આજ્ઞા સર્વક્ષેત્રે અને સર્વકાળે એકસરખી એક જ હોય છે. “આશ્રવ સર્વથા છોડવા જેવો છે અને સંવર નિર્જરા આદરવા જેવા છે.”
"आश्रवः सर्वथा हेयः, उपादेयश्च संवरः । इत्याज्ञाराद्धा च विराद्धा च, शिवाय च भवाय च ॥"
સર્વજ્ઞ તીર્થકર ભગવંતોની સર્વકાળે અને સર્વ ક્ષેત્રે એક જ આજ્ઞા હોય છે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે અને આજ્ઞાનું આરાધન શિવ માટે થાય છે અને આજ્ઞાનું વિરાધન ભવ માટે થાય છે. આ આજ્ઞામાં લેશમાત્ર ફરક પડતો નથી. સર્વકાળે સમાન જ હોય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ વીતરાગસ્તોત્ર નામના શાસ્ત્રમાં કહ્યું છે કે –
आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेयः, उपादेयश्च संवरः ॥