________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૧૧
પરમાત્માની તુલ્ય, નિરાકાર, પ૨મ જ્યોતસ્વરૂપ એવો પોતાનો આત્મા પણ છે. આમ સ્વસંવેદન વડે પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપે જાણે છે. તેથી મોહદશા ઘટાડીને શુદ્ધ સ્વરૂપવાળા આત્માને પ્રગટ કરવા તરફ આગળ વધે છે. એકવાર “હું આવા નિર્મળ સ્વરૂપવાળો છું” એમ જણાઈ જાય છે. ત્યારથી તે જીવનું તે તરફ સતત પ્રયાણ ચાલુ થાય છે અને થોડા જ કાળમાં પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ એટલે કે અજરામર પદને પોતે સ્વયં જ પ્રાપ્ત કરે છે. આ આત્મા પરમાત્મા બને છે.
ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાકારતા થતાં જ સમાપત્તિ યોગ પ્રગટ થાય છે. એટલે કે ધ્યાતા એવો આ અન્તરાત્મા ધ્યેય એવા પરમાત્માની સાથે લયલીન થયો છતો એકતાને અનુભવે છે. જેનાથી આ આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. આવા પ્રકારની એકાકારતાને જ સમાપત્તિયોગ, એકીકરણ, સમરસીભાવ અર્થાત્ લય કહેવામાં આવે છે. અહીં ઇયળ અને ભમરીનું દૃષ્ટાન્ત સમજી લેવું. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભ્રમરીરૂપ બની જાય છે, તેમ સાધકાત્મા પરમાત્માની સાથે એકાકાર થયો છતો પોતે જ પરમાત્મા બની જાય છે.
ધ્યાનદશામાં સાધકનો આત્મા પરમાત્મામાં અભેદભાવ પામે છે, એકાકાર બને છે. લયલીન બને છે. તેને જ સમરસભાવ અથવા સમાપત્તિયોગ કહેવાય છે. તે જ પ્રભુના સ્વરૂપની સાથે આ આત્માનું એકીકરણ થાય છે.
પરમાત્માના પિંડસ્થ-પદસ્થ-રૂપસ્થ અને રૂપાતીત અવસ્થાઓના ધ્યાનથી દીર્ઘકાલીન અભ્યાસ દ્વારા સાધક આત્મામાં આવા પ્રકારનો સમાપત્તિયોગ પ્રાપ્ત થાય છે. એટલે કે સાધક આત્મા પોતે જ સાધ્ય એવા પરમાત્મ સ્વરૂપે બને છે.