________________
૩૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર વિવેચન :- ૮-૯-૧૦ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરતાં કરતાં મોહનીય કર્મનો સર્વથા નાશ કરવાથી આ આત્મા પ્રથમ વીતરાગ બને છે. સંપૂર્ણપણે સામ્યગુણ (સમતાગુણ) પ્રગટ થાય છે. તેના બળથી અતિશય વિશદ્ધ બનેલો આ જ આત્મા કેવળજ્ઞાની અને કેવળદર્શની (અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી) બને છે. ત્યારે આ જ આત્મા સંપૂર્ણપણે પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. ધ્યાનદશા અને સમતાયોગનું ફળ સર્વજ્ઞતા અને સર્વદર્શિતા પ્રાપ્ત થવી આ જ છે. અહીં હવે ધ્યાનદશા સમાપ્ત થાય છે (એટલે ધ્યાનના વિરહરૂપ) ધ્યાનાન્તરિકા દશા હોય છે. હવે વિભાવદશા ન હોવાથી સ્વભાવદશામાં જોડાવું પડતું નથી. હવે સાધકદશા નથી. સાધકદશા સમાપ્ત થાય છે. સાધ્યદશા શરૂ થાય છે. ધ્યાનદશાનું આ જ ફળ છે. તેરમાં ગુણસ્થાનક સુધી પહોંચવામાં ધ્યાનદશા તથા વૃત્તિસંક્ષય યોગ સહચારીકારણ હતાં. કેવળજ્ઞાન પ્રગટ થવાથી હવે આ કારણોની આવશ્યકતા રહેતી નથી. તેથી જ કેવલી પરમાત્મા મોહરહિત હોવાથી ધ્યાનાન્તરિકા દશાવાળા (ધ્યાન વિનાની દશાવાળા) હોય છે. તેમાં વૃત્તિસંક્ષય યોગ સહાયક બને છે. વૃત્તિસંક્ષય યોગ કોને કહેવાય ? તે સમજાવે છે -
अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥
(યોગબિન્દુ ગાથા-૩૬૬) આ આત્મામાં અન્ય દ્રવ્ય (પૂર્વવર્તી પુણ્ય અથવા પાપકર્મ)ના ઉદયાત્મક સંયોગથી ઉત્પન્ન થતી સંકલ્પ અને વિકલ્પરૂપ વૃત્તિઓનો ફરીથી ક્યારેય ઉત્પન્ન ન થાય તે રીતે સંક્ષય (સમ્યગ્મણે નાશ) કરવો તે વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે.