________________
વીર ! મધુરી વાણી તારી
ત્રીજા ભવમાં અત્યંત થનગની ઊઠ્યો હતો.
ભોગમાં રહીને ભલે પોતે પૂર્ણ પાપક્ષય કરવા સમર્થ હોય છતાં ભોગમાં રહેવાય કેમ? જગતના જીવોને એ ભોગો પાપવર્ધક બતાડવા હોય તો ભોગનો ત્યાગ કરવો જ રહ્યો !
માટે જ કરુણામયી માતાસમાં મહાદેવના એ આત્માઓ ભોગોને ફગાવીને નીકળી ગયા. ઘોર સાધના કરી એના પરિણામે કેવળજ્ઞાનનો અનંત પ્રકાશ પામ્યા. એમણે કર્મોના બંધ-અનુબંધ જોયા-જાણ્યા; દુઃખસુખના કારણો જાણ્યા, પાપપુણ્યના સ્વરૂપો જોયા.
રાગ-દ્વેષને જ દુ:ખના સર્જક જોયા.
રાગ-દ્વેષના સંપૂર્ણ વિનાશ વિના શાશ્વત સુખની પ્રાપ્તિની કોઈ શક્યતા જ નથી એ ય જોયું.
સર્વજીવોને શાશ્વત સુખના સ્વામી બનાવી દેવાનો એમનો સ્વભાવ જેવો બની ગયેલો ભાવ જીવતો હતો.
હવે તો પૂરબહાર ખીલી હતી એ ભાવની, સ્વભાવ બની જવાના કારણે સ્તો.
ભોગના જીવનમાં પણ જેમણે ત્યાગની ઝલક જમાવી હતી. હવે તો બહારથી પણ ભોગત્યાગી બનેલા મહાદેવોના આત્માએ ભોગજનક રાગ-દ્વેષના ભાવોનો સર્વનાશ બોલાવવાની તાતી સાધના આરંભી. એક મંગળ દિન આવ્યો જ્યારે રાગદ્વેષના ભાવોનો અંતિમ પરિણામ પણ મરી પરવાર્યો.
હવે તેઓ સાચા મહાદેવ બન્યા. વિશુદ્ધ વિચારના સ્વામી, હવે વિશુદ્ધ આચારના સ્વામિત્વની ટોચે પહોંચ્યા.
હવે જ તેમણે પોતાનું મોં ખોલ્યું. આજ સુદી તો તેઓ મૌન હતા. શું બોલે? કાંઈક ઊંધું વટાઈ જાય તો કેટલાનું અહિત થાય?
વળી સર્વોચ્ચ સદાચારને આત્મસાત્ કર્યા વિના બોલાય પણ શી રીતે? પરને સમજાવવા માટે માત્ર વિચારશુદ્ધિ જરા ય ન ચાલે. આચારની તંદુરસ્ત શુદ્ધિ વિના સદાચાર સેવવાની વાતોનો ઉપદેશ દેવો એ તો મહા અનર્થકર પ્રવૃત્તિ છે જે બોલવું હોય તે જીવનમાં આચરી બતાવવું રહ્યું.
આજે તો સદાચાર ભારે પડ્યો છે એટલે સદાચારીઓનો દુકાળ પડયો. અને આચારવિહોણા ઉપદેશકોના ટનના ટન ખડકાવા લાગ્યા.