________________
વીર ! મધુરી વાણી તારી
અધ્યાત્મસારના અનુભવાધિકારમાં મહોપાધ્યાયજીએ આ જ વાત કહી છે કે આરાધકની આરાધના આ જ છે : શકયારંબભ અને શુદ્ધપક્ષ.
જે શક્ય આરાધન છે તે બધાયનું સેવન અને જે શુદ્ધ ધર્મોનું સેવન અશક્ય છે તેનો કટ્ટર પક્ષપાત.
આમ તે તે આજ્ઞાનો આરાધક પણ એના કટ્ટર પક્ષપાતને લીધે અસલમાં આરધક જ બની જાય છે.
કટ્ટર પક્ષપાતીના અંતરમાં અશક્યને આરાધવાની તીવ્ર તમન્નાની આગ હોય છે, એની આંખોમાં એ આરાધના ન આરાધી શકવા બદલના જીવલેણ ત્રાસના આંસુ હોય છે.
એ આગ અને એ આંસુ પણ એની આરાધના બની રહે છે.
આમ એ આત્મા વીતરાગ પરમાત્માએ બતાડેલી તમામ આરાધનાનો સંપૂર્ણ આરાધક બની જાય છે.
શક્યનો રાધક-અશક્યનો પક્ષપાતી. દુઃષમાકાળ પણ મોક્ષનો સાધક જ છે :
સંભવ છે કે આ દુઃષમાકાળને કારણે સંઘયણબળની હીનતાને કારણે સુષમા કાળની, પ્રથમસંઘયણની ઘણી ઘણી ઘોર અને ઉગ્ર આરાધનાઓ અશક્ય બની ગઈ હોય.
પણ તો ય શું? અશક્યનો જો કટ્ટરપક્ષપાત આવી જાય, પેલી આગ અને એ આંસુ શરીરના અંગાંગીભાવને પામી જાય તો દુઃષમાકાળનો એ અલ્પ આજ્ઞાનો આરાધક પણ સજ્ઞાનો આરાધક જ બની જાય છે.
વળી જેમ જેમ કાળબળ તૂટતું જાય તેમ તેમ અલ્પ-અલ્પર આજ્ઞારાધન જ બહુ-બહુતર ફળ આપતું જાય. કેમકે કાળાદિને કારણે વધુને વધુ દુઃશક્ય બનતા જતા આજ્ઞારાધનને કોઈ પોતાના જીવનમાં શક્ય બનાવે ત્યારે તે વિશેષ ધન્યવાદને પાત્ર ઠરે છે.
દેખતો માણસ સો માઈલ ચાલી જાય તે કરતાં અંધો માણસ એક માઈલ સડસડાટ ચાલ્યો જાય તો લોકો તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે છે.
એક પ્રોફેસરના પ્રભાવક લેકચર કરતાં ય ખૂબ જ આર્ષકતા; દસ વર્ષના બાળકના દસ જ મિનિટના વક્તવ્યમાં દેખાતી હોય છે.