________________
પત્રાવલિ-૨
૧૩૭
પરમકૃપાળુદેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો; તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો; બીજી કંઈ કલ્પના ન કરો.
આ પરપદાર્થો, તેના સંયોગો તે તમારા નથી. તેને તમારા આત્મસ્વરૂપ તરીકે ન માનો; પણ પરમકૃપાળુ દેવે કહેલ યથાર્થ આત્મસ્વરૂપને ઓળખો તો કલ્યાણ છે.
પરમકૃપાળુ દેવનું જ શરણ, આશ્રય, નિશ્ચય ગ્રહણ કરો અને અત્યાર સુધીમાં જે જે કંઈ કર્યું, જે જે કંઈ માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, જે જે કલ્પનાઓ કરી, તે બધી મારી ભૂલ હતી, સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી. તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાત્તાપ કરી તેથી પાછા વળી જ્ઞાનીની ક્ષમા ઇચ્છી આત્માને નિઃશલ્ય કરો. અને હવે તો મારે એક પરમકૃપાળુદેવનું જ શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધીમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે, એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે જ કરશે ત્યારે છૂટકો છે.
સાચી શ્રદ્ધા આવ્યે સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યા છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્ભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે. સાચી શ્રદ્ધા સહિત પરમકૃપાળુ દેવની ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું.
આ અશાતાવેદનીય તેમજ શાતાવેદનીય તો કર્માનુસાર છે. આત્મસ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો ? શા માટે પરમભક્તિમાં ભાવને વધારી બધાં ય જન્મ-મરણ આદિ દુ:ખોથી સદાને માટે મુક્ત ન થઈએ ? ખેદ કે આર્તધ્યાન કરવાથી તો તે વેદનીય જીવને નવા બંઘનનો હેતુ થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવાં પડશે. તો સમજુ પુરુષે પોતાના આત્માની દયા વિચારી, ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો ? આ મિત્રરૂપ ભાસતા પણ વસ્તુતાએ બળવાન શત્રુ
સમાન દેહાદિ સંયોગોમાં કંઈ પણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ પરમ કૃપાળુદેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં તથા પરમકૃપાળુદેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણમાં આશ્રયમાં ઐકચતા કરવી યોગ્ય છે.
પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વેએ પરમકૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દૃઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે, ‘વાળ્યો વળે જેમ હેમ' તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org