________________
જ્યારે રાજસભામાં આ રીતે સ્વપ્નના વિચારની ગંભીરતાથી ભર્યું ભર્યું વાતાવરણ જામી રહ્યું હતું. ત્યારે હસ્તિનાપુરના રાજમાર્ગો પર જનપદોમાં ભગવાન ઋષભદેવ પ્રત્યેનો ભક્તિ-સિન્ધુ લહેરાઈ રહ્યો હતો. રાજસભામાં દ્વારપાળ એ જ વેળા શુભસંદેશ સાથે હાજર થયો. એણે કહ્યું, સ્વામિન્, ત્રણ લોકના પૂજ્ય પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવ વન જંગલોમાં વિચરતા આજે આપણા પુણ્યયોગે નગરમાં પધાર્યા છે. ત્રણે જણા હર્ષમાં આવી એકી સાથે બોલ્યા
ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! પ્રભુ આજ અમારે આંગણે !
દ્વારપાળ આગળ બોલ્યો :
પ્રતાપી
સ્વામિન્, પણ એમના દેહની શી વાત કરું ? જાણે એ પ્રબળ પૃથ્વીનાથ જ નહિ ! હજારો શત્રુથી ઘેરાયેલા મહાયોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. સ્વામિન્,આ પહેલા તો એમના.
મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યના જેવું તેજમંડળ રચાયેલું જોવાતું, આજે તો સર્વ કિરણ જાણે ક્ષત-વિક્ષત બની એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધું શું કહું સ્વામિન્ ? સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની કાંચનવરણી કાયા શ્યામ થઈ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો આવતો હોય તેમ એ ચાલ્યા આવે છે. પજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૌન સેવે છે, એટલે શું જોઈએ છે એ પણ સમજાતું નથી. આપ જલ્દી પધારો અને તેમને ખપતી વસ્તુ જાણો, નહી તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપાત્રની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું.
પોતાના પ્રતાપી પ્રપિતામહનું માન સાંભળી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યા. પ્રભુના દેહના દર્શનથી એમને સ્વપ્નમાં યોજાયેલો કાળાશ ધરાવતો સૂવર્ણ મેરુ યાદ આવી ગયો.
તપાધિરાજ વર્ષીતપ
(૧૦)