________________
ખેડૂતતો ફરી પોતાના કામમાં મશગુલ બની ગયો, એને બળદોના નિસાસાની પડી નહોતી. પણ રાજા ૠષભતો પશુના આત્માને પણ પિછાણનારા હતા. એમણે કહ્યું કે : બળદો ભૂખ્યા છે એનો વિચાર તો કર. મોસરીયું બાંધ્યું એટલે બસ તારું કામ પત્યું ! પશુ તો અબોલ છે એની આંતરડી ન દુભાવીશ, અબોલના આશિર્વાદ લઈશ તો તારા ખેતરમાં સોનુ પાકશે.
કામ પતી ગયાં પછી બળદને મોઢેથી મોસરીયું છોડવાની સૂચના ૠષભરાજા ખેડૂતને આપવાનું વિસરી ગયા. જેથી બળદોના ભૂખના દુઃખના તેઓ નિમિત્ત બન્યા. આ પ્રમાદને કારણે બંધાયેલ અંતરાય કર્મ પ્રભુને દીક્ષા બાદ ઉદયમાં આવ્યું, જેથી આટલા દિવસ સુધી પ્રભુને શુદ્ધ આહારનો યોગ ન મળ્યો.
પ્રભુએ જે કાર્ય કરૂણાબુદ્ધિથી કર્યું, પણ એમાં થોડો પ્રમાદ રહી ગયો, તો અંતરાયકર્મનો બંધ થયો. પ્રભુને આહારનો અંતરાય હતો. આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનનો સંભવ નહીં. જીવનનો નાનો સરખો પ્રમાદ પણ સર્વોત્કૃષ્ટ એવા કેવળ જ્ઞાનરૂપી સૂર્યને પણ કર્મથી આચ્છાદીત કરી શકે છે ! પરંતુ પ્રભુએ ઉપસર્ગ અને પરિષહ સહન કરી કર્મનિર્જરા કરી વર્ષીતપનો મહિમા અને સુપાત્ર દાનધર્મની પ્રતિષ્ઠા કરી.
પ્રથમ તીર્થંકર ઋષભદેવ દાદા આદિનાથના વર્ષીતપ ને વંદના ! સુપાત્ર દાનધર્મના પ્રવર્તક શ્રેયાંસકુમારની ઉત્કૃષ્ટ ભાવનાને વંદન !
તપાધિરાજ વર્ષીતપ
(૧૭)