________________
આહારત્યાગથી અહિંસા સંભવે છે.માણસની અથવા તો પ્રાણિમાત્રની ચાર મૂળભૂત વૃત્તિઓ છે ઃ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા.
આહારસંજ્ઞા પર સંયમ કેળવવાથી આપોઆપ જ બાકીના સંજ્ઞા પર સંયમ મેળવાય છે. આને કારણે નવાં કર્મો બંધાતા ઓછી થાય છે અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે.
તપથી માનવીને સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે.ભઠ્ઠીમાં તપવાથી સોનું વધુ ઉજ્જવળ બને છે, તે જ રીતે તપસ્વી જેમ જેમ વધુ કષ્ટ સહન કરે છે તેમ તેમ તેના આત્મિક ભાવ વધુ નિર્મળ બને છે . સમ્યગ જ્ઞાનયુક્ત તપોભાવનાથી ઈન્દ્રિયનિગ્રહ સુગમ બને છે.
પોતાની શક્તિ મર્યાદામાં રહેલું તપ ઉત્તમ ફળ આપે છે. આવું તપ આનંદદાયક બને છે એટલેજ જ્ઞાનીજનો શક્તિ અનુસાર તપ કરવાની નિત્ય ભાવના સેવે છે , તેમાં પ્રમાદ કરતાં નથી .સગુરુની નિશ્રામાં અભિમાનરહિત , ગ્લાનિરહિત , પ્રભાવના કે વાહવાહની ઈચ્છા વિના ,આજીવિકા હેતુ વિના મન, વચન અને કાયા દ્વારા કરેલું તપ વિપુલ કર્મની નિર્જરા કરે છે.સંયમપૂર્વક કરેલું તપ ભાવિ જીવોને મોક્ષપ્રાપ્તિને માર્ગે આગળ ધપાવે છે.
તપ દ્વારા અનાદિ કાળનાં કર્મબંધન તૂટી જાય છે. આત્માનો મૂળ સ્વભાવ (અણ + આહારક) છે. એટલે તેને સ્વમાં સ્થાપવા માટે તપ કરાય છે. પ્રસંગોપાત્ત લાગેલા દોષનું નિવારણ કરવા અર્થે પ્રાયશ્ચિતરૂપે પણ ગુરુજન તપ કરવાનો આદેશ આપે છે. હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે બાર પ્રકારનાં તપ કરવાનું મનુષ્યગતિમાં જ સંભવિત છે.એટલે કે તપ એ મનુષ્યગતિનો જ વિશેષ અધિકાર છે. નારકી , દેવ તથા તિર્યંચ માટે આ બાર પ્રકારે તપ કરવાનું અસંભવિત છે.નારકી અને દેવોને ઔદારિક શરીરનો ઉદય તથા પંચમહાવ્રત હોતા નથી આમ દેવો બાહ્ય તપ કરી શકતા નથી, પણ તેઓ ધારે તો સ્વાધ્યાય ,વિનય અને ધ્યાન એ ત્રણ પ્રકારનાં આત્યંતર તપ કરી શકે છે. ઔદારિક શરીર હોવાથી અપવાદરૂપ કિસ્સામાં તિર્યંચ બાહ્ય તપ –અનશન-કરી શકે છે.
તપાધિરાજ વર્ષીતપ
(૩૯)