________________
ભાવપૂર્ણ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય.
જૈનધર્મ આચાર ધર્મ છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા બન્ને હોય ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થાય છે.
અંતરમાં ત્યાગ વિરાગ ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભોગ વિલાસમાં સુખશીલ જીવન ગુજારે અને એમ કહેવું કે આ બધી પુદ્ગલની ક્રિયા છે, આત્માને તેનો કોઈ સ્પર્શ થતો જ નથી, તો તે ખોટી આત્મવાંચના છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલા માટે જ મુનિધર્મ વિકટ છે. ગૃહસ્થોને પણ અણુવ્રતોથી સંયમ અને તપના માર્ગે જવાનું કહ્યું છે.
ભગવાન મહાવીર તીર્થંકર નામ કર્મ બાંધીને જનમ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાડા બાર વર્ષની ઘોર તપસ્યા કરવી પડી. અસહ્ય પરીષહો અને ઘોર ઉપસર્ગો સહન કરવા પડ્યાં. ઈન્દ્ર અને દેવો બચાવ કરવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે તમારી મદદ-સહાય નહી સ્વીકારું, કારણ કે મારા કર્મો મારે જ ખપાવવા છે.
માત્ર નિશ્ચયની વાતો કરી સદ્ વ્યવહારને લોપે અને સાધન (ત્યાગ, વૈરાગ્ય, તપ) તજી દે તે ઉચિત નથી. નિશ્ચય વાણીના મહાન ગ્રંથ સમયસાર નો સંદર્ભ આપી જીવનમાંથી ધાર્મિક ક્રિયા, આધ્યાત્મિક અનુષ્ઠાનો (તપ) નો છેદ ઉડાડી દેવો તે પરમાગમનું સન્માન નથી. આત્માર્થી આવું કદી ન કરે. તે તો વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય જૂએ.
તપ વિના વાસના કષાયો પાતળા પડતાં નથી, તેથી દેહાધ્યાસ (દેહની આસક્તિ) છૂટતો નથી. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. આ આંતરયુદ્ધ નિરંતર ચાલે છે. આત્માના સ્વરૂપની માત્ર વાતો કરવાથી આત્મજ્ઞાન થતું નથી. તેમણે ત્યાગ, વૈરાગ્યની સમકિત સાધના પર ભાર મૂક્યો છે.
તપાધિરાજ વર્ષીતપ
(૨૫)