________________
શુક્લધ્યાન – શુક – લુનાતિ શુક એટલે શોક. લુનાતિ એટલે નાશ થવો. શોક, દુ:ખ.... સંતાપ, શારીરિક અને માનસિક દુઃખ.... શોકનો જેનાથી નાશ થાય તેને શુક્લ કહેવાય છે.
શુક્લધ્યાની પરભાવનો ત્યાગ કરી આત્મભાવમાં લીન થવાનો વિવેક આચરે - રાગદ્વેષનો ત્યાગ કરી વીતરાગ દશા તરફ આગળ વધે – ઉપસર્ગથી ચલિત ન થાય, શુભમાંથી આત્માના એક શુદ્ધ ભાવપર્યાયમાં લીન થઈ જાય. શુક્લધ્યાનના પૂર્વાર્ધમાં જીવાત્મા કેવળજ્ઞાની બની શકે છે અને ઉત્તરાર્ધમાં અંતે આત્મા અકર્મા બને છે. ગુણસ્થાનની આ સર્વોત્કૃષ્ટ કક્ષા છે. જ્ઞાનીઓએ શુક્લ ધ્યાનના અંતિમ અને ચોથા ચરણને શૈલેશીકરણ (મેરૂ જેવી અકંપ) ની ક્ષણ કહી છે. એ ક્ષણે દેહી ચૈતન્ય વિશ્વચૈતન્યમાં વિલીન થાય છે. આત્મા સિદ્ધ મુક્ત બને છે.
આમ ધ્યાન એ ઉત્કૃષ્ટ આંતરતપ ક્રિયારૂપ છે. મહાન શ્રતધર આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે, સેંકડો ભવમાં ઉપાર્જન કરેલા અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે.
૬. કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) -વ્યુત્સર્ગ:
અહંકાર અને મમકારરૂપ સંકલ્પનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ નામનું તપ છે. શરીર અને આહારમાંથી મન અને વચનની પ્રવૃત્તિઓને હઠાવીને આધ્યાત્મિક વિચારોમાં એકાગ્રતાથી ચિત્તનો વિરોધ કરવો એટલે કે પાયાનો ઉપસર્ગ કરીને ધ્યાનપૂર્વક એક મુહર્ત ,એક દિવસ , એક પખવાડિયું , એક મહિનો અથવા વધુ સમય સુધી સ્થિર રહેવું એટલે વ્યુત્સર્ગ નામનું તપ કરવું નિસંગત ,નિર્ભયત્વ , જીવિત આશાનો ત્યાગ ,દોષનો ઉચ્છેદ , મોક્ષમાર્ગ પ્રભાવમાં તત્પરતા વગેરેને માટે આ તપ કરાય છે.વાસ્તુ ધન ધાન્ય વસ્ત્રો વગેરે બાહ્ય સાધનો જે માટે આત્માના એકત્વને અનુભવવામાં વિઘ્નરૂપ છે તેમ ક્રોધ , ભય તૃષ્ણા વગેરે આંતરિક વૃત્તિઓ છે તે સર્વ પર નિયંત્રણ મેળવવું એ વ્યુત્સર્ગ છે.આમ આ તપમાં કાયાની માયા-મમતાનો ત્યાગ અને આત્મભાવમાં રમણ મુખ્ય છે.
તપાધિરાજ વર્ષીતપ
(૨૩) |