________________
તપની આલોચના
પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા.
આલોચના – જોવું – તપાસવું. માનવ પાસે દષ્ટિ છે, આત્મામાં જ્ઞાનદષ્ટા પણાનો ગુણ છે. ખુલ્લી આંખે જગતના બાહ્યપદાર્થો ને નિહાળે છે. પરંતુ બંધ આંખે પોતે પોતાને જ નિહાળવું તે જ છે આલોચના. પ્રત્યેક જીવની આત્મવિકાસની અવસ્થા ભિન્ન હોય છે. તેથી સહુથી પોતાને જોવાની દષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના સહુથી વધુ વિકસિત હોય તેટલો તે પોતાનામાં વધુ ઉંડો (સૂક્ષ્મ) ઉતરી શકે.
જ્ઞાન, દર્શન, આદિ એ આત્માના મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનનાં આત્મામાં રહેલા આ ગુણો પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ સંસારી જીવોમાં ઓછે વત્તે અંશે એ ગુણો વિકૃત થઈ ગયેલા હોય. એ વિકૃત ભાવોની પ્રેરણાથી જ્યારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થાય. પરિણામે જ્ઞાન, દર્શન આદિ ગુણો પણ વધુ વિકૃત થતાં રહે છે જેની પરિણતિ પાપમાં આવે છે. જીવ સ્વને નિહાળી પાપરૂપ વિકૃતિઓનો એકરાર કરી, તેનો પશ્ચાતાપ કરી શુદ્ધ થાય તે ક્રિયાને આલોચના કહેવાય છે.
વર્ષ દરમ્યાનની તપ સાધનામાં વ્રત પાલનમાં પ્રમાદ, સ્વાર્થ કે અજ્ઞાન ને કારણે દોષો લાગ્યા હોય તેની ગુરૂ ભગવંત સન્મુખ આલોચના કરવાથી આપણે પાપોને પરભાવ માનીશું. આપણાં વિરોધી માનીશું, આત્મસ્વરૂપના ઘાતક માનીશું તો ફરી આપણા જીવનમાં પાપનો પ્રવેશ નહિ થાય અને તપની શુદ્ધિ થશે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મ લક્ષી બતાવી છે. આ આરાધના સમયે જીવન વ્યવહારની સાથે ૧૮ પાપ સ્થાનકોમાંના પાપો પ્રવેશી ગયા હોય તેને, તપ સાધનાની પૂર્ણાહુતિના મંગલમય દિવસોમાં અરિહંત, સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે, આલોચના કરવી જોઈએ. આ આલોચના ગુરૂભગવંત સન્મુખ સમજણ અને ભાવપૂર્વક કરીએ તો ભવોભવની કર્મજાળને છેવા સમર્થ છે.
તપાધિરાજ વર્ષીતપ
(૩૩)