________________
અનુવાદકારની પ્રથમવૃત્તિની
પ્રસ્તાવના
કર્મગ્રંથના જ્ઞાનનો વધારે પ્રમાણમાં ફેલાવો થાય તે ઉદ્દેશથી આ ગ્રંથનું ભાષાંતર કરવાની શરૂઆત લગભગ બે વરસ પહેલાં કરી હતી. આ ગ્રંથના કર્તા શ્રીમાન્ ચંદ્રમહત્તરાચાર્ય છે અને ટીકાકાર શ્રીમાન્ આચાર્ય મલયગિરિજી મહારાજ છે. એ બંને આચાર્યો પ્રખર વિદ્વાન હતા. તેઓ ક્યારે થયા, ક્યાં થયા અને તેઓએ કયા કયા ગ્રંથોની રચના કરી વગેરે સંબંધે મને વિશેષ માહિતી નથી તેમ જ તે વિષયનો મને અભ્યાસ પણ નથી. તે બાબત તે વિષયના અભ્યાસી વિદ્વાનોને સોંપી દઉં છું. આ ગ્રંથમાં લગભગ એક હજાર ગાથા છે, જેની અંદર છયે કર્મગ્રંથનું, આઠ કરણનું તથા તેને લગતી બીજી ઘણી બાબતોનું બહુ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલું છે. તેમાંનો પહેલો ભાગ આપની સમક્ષ રજૂ થાય છે. આ ભાગમાં પાંચ દ્વાર છે. તેમાંના પહેલા દ્વારમાં યોગ ઉપયોગ અને ગુણસ્થાનકોનું વિસ્તારપૂર્વક વર્ણન છે, બીજા દ્વારમાં સત્પદ પ્રરૂપણાદિ નવ દ્વારોનું વર્ણન છે, ત્રીજા દ્વારમાં બાંધવા યોગ્ય આઠ કર્મનું વર્ણન છે, ચોથા દ્વારમાં સત્તાવન બંધહેતુનું વર્ણન છે અને પાંચમા દ્વારમાં પ્રકૃતિબંધાદિ ચાર તથા ઉદય અને સત્તાનું સવિસ્તર વર્ણન કરેલું છે.
આ વિષયને વિશેષ સ્પષ્ટ અને સરલ કરવા માટે જ્યાં જ્યાં ઉપયોગિતા જણાઈ ત્યાં ત્યાં ટિપ્પણો આપવામાં આવ્યાં છે. મલયગિરિ મહારાજે ટીકામાં આ વિષયને બહુ જ સ્પષ્ટ કરેલો હોવાથી તેમની જ ટીકાનું ભાષાંતર કર્મગ્રંથના અભ્યાસીઓને બહુ ઉપયોગી થશે એમ મારું નમ્ર માનવું છે. આ પુસ્તક લખવામાં પ્રથમ પ્રેરણા અને ઉત્સાહ આપનાર શ્રીમાન્ આચાર્ય વિજયનીતિસૂરિજી છે. તથા કર્મગ્રંથના અભ્યાસમાં પ્રેરણા કરનાર મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સ્થાપક શ્રીમાનું શેઠ વેણીચંદભાઈ તથા માસ્તર વલ્લભદાસ માવાભાઈ છે કે જેમની નીચે રહી મેસાણા યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં તથા ભરૂચ નિવાસી શેઠ અનુપચંદભાઈ મલકચંદ પાસે કર્મગ્રંથનો અભ્યાસ કર્યો હતો જેને લીધે આ પુસ્તક હું તૈયાર કરી શક્યો છું. માટે તે બધાની કૃતજ્ઞતાપૂર્વક અહીં હું નોંધ લઉં છું. તે સિવાય કર્મપ્રકૃતિનો અભ્યાસ તે વિષયના ખાસ અભ્યાસી શ્રીમાન્ આચાર્ય વિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીમાન્ આચાર્ય વિજયપ્રેમસૂરિજી પાસે તેમજ પ્રસંગે ઉપસ્થિત થયેલી શંકાઓના ખુલાસા પણ તેમની પાસેથી મેળવ્યા હતા માટે તેમના ઉપકારની નોંધ લીધા વિના રહી શકતો નથી. તથા બીજાઓએ જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય આપી હોય તેમનો પણ ઉપકાર માનું છું. તથા તૈયાર ફરમાઓ વાંચી આપવામાં ભાવનગર નિવાસી શેઠ કુંવરજીભાઈનો તથા મારા વડીલબંધુ સમાન અને