Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ આ પશ્ચાદ્ભૂમાં પ્રસ્તુત શોધ-ગ્રંથને તપાસીએ, ત્યારે કાંઈક જુદો જ અનુભવ થાય છે. આ ગ્રંથમાં અધ્યયન છે, ચિંતન છે, તુલનાત્મક સમીક્ષણ છે, અને વિષયભૂત ગ્રંથનું રસપ્રદ મૂલ્યાંકન પણ છે. બિનજરૂરી પ્રસ્તાર નહિ, ચિંતનાત્મક અને તત્ત્વજ્ઞાનવિષયક સંદર્ભ હોવા છતાં ભાષા-પરિભાષાનો ભાર નહિ, અને છતાં સરળ ભાષાશૈલીમાં ગંભીર મુદ્દાઓનું સુગ્રથિત પ્રતિપાદન – એ આ અધ્યયનગ્રંથની વિશેષતા છે. માલતીબહેને મને આગ્રહપૂર્વક કહેલું કે વખાણ ન કરતા; ભૂલો જ બતાડજો. એમની વાત માની લઉં અને ભૂલો શોધવા કે દેખાડવા બેસું, તો મને લાગે છે કે ઘણી આસાનીથી તેમ થઈ શકે ખરું. કોઈ માણસ કંઈક કરે – કરી બતાવે, ત્યારે તેણે શું નથી કર્યું તે તરફ તેનું ધ્યાન અવશ્ય દોરી શકાય. પરંતુ એમાં ખરેખર તો આવું ધ્યાન દોરનારની અક્કલનું જ પ્રદર્શન થતું હોય છે. એટલે આવા સરસ અભ્યાસનિબંધની ખામી શોધવાને બદલે તેની ખૂબીઓ શોધવાનું જ વધુ યોગ્ય ગણાય. “જ્ઞાનસાર' એ તત્ત્વજ્ઞાનનો ગ્રંથ છે. એને જૈન દર્શનની અષ્ટાવક્રગીતા ગણી શકાય. ગહન અને ગંભીર તાત્ત્વિક પદાર્થોને અત્યંત લાઘવપૂર્ણ અને અત્યંત કાવ્યમય પદ્યશૈલી દ્વારા પ્રસ્તુત કરીને શ્રી યશોવિજયજીએ પોતાનું એક સમર્થ દાર્શનિક કવિ તરીકેનું પોત આ પ્રકરણમાં પ્રગટાવ્યું છે. આવા સરસ ગ્રંથનો ચિંતનાત્મક તેમ જ મૌલિક સ્વાધ્યાય આ અધ્યયન-ગ્રંથમાં શ્રી માલતીબહેને આપ્યો છે. ભાષાની સજ્જતા અને વિચારોની તેમ જ અભિવ્યક્તિની સ્પષ્ટતા – આ બે વાનાં તો માલતીબહેનને તેમના પિતાશ્રી (રતિલાલ દીપચંદ દેસાઈ) તરફથી વારસામાં (કે કરિયાવરમાં) મળ્યાં છે. એના ફળસ્વરૂપે નીપજી આવી છે એક નિરાડંબર છતાં સત્ત્વશીલ શૈલી, જે આ ગ્રંથનું આગવું આકર્ષણ કે આભૂષણ છે. વિશેષ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે માલતીબહેને આ અધ્યયન પોતાના લગ્ન પછી કર્યું છે. ઘર અને પરિવારની તમામ જવાબદારીઓ હોંશે હોંશે નિભાવવી, પતિ-પુત્ર અને અન્યો પ્રત્યેનાં કર્તવ્યો બજાવવાં, અને એમાંથી બચાવેલ સમયનો સદુપયોગ આવા અધ્યયનમાં કરવો, એ તો ભારે વિકટ કાર્ય છે. પરંતુ આ કાર્ય તેઓ કરી શક્યાં, તેમાં તેમના સૌમ્ય પ્રકૃતિના પતિ કિશોરભાઈનો પણ જેવોતેવો ફાળો નથી જ. તેમની સંમતિ જ નહિ, પણ પૂરો સહયોગ તેમને મળ્યો છે, એ પણ એક સંતર્પક ઘટના છે. શ્રી માલતીબહેનના પ્રસ્તુત અધ્યયનગ્રંથને તો ઉલ્લાસમઢડ્યો આવકાર હોય જ, સાથે સાથે એવી અપેક્ષા પણ વ્યક્ત કરું છું કે હવે પછી માલતીબહેન પાસેથી “જ્ઞાનસાર' વિષેના અનેક અધ્યયન-ચિંતનના લેખો આપણને મળતા રહે. શ્રી કદંબગિરિતીર્થ : તા. ૨૬-૧-૨૦૦૦ શીલચંદ્રવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 198