________________
નિર્વિવાદ પુસ્તકનું પ્રકાશન કાલોચિત તેમજ સુપ્રસ્તુત ગણાય. જ્ઞાનપિપાસુ અને વિદ્યાવ્યાસંગી ભાઈશ્રી ગુણવંત બરવાળિયાનો આ પ્રયાસ સ્તુત્ય છે. એમના સ્વજનો, સન્મિત્રો અને સારસ્વતોનો એમને સાંપડેલો સહયોગ એમા સરસ્વતીનો એમના પર વર્ષેલો કૃપાકટાક્ષ જ ગણી
શકાય.
નિરાકાર જ્ઞાનની સાધનામાં સાકાર સરસ્વતીની વંદના અતિશય ઉપકારક છે. સાધનામાં પરિશ્રમ અને તપ છે તો વંદનામાં પ્રણિપાત . અને વિનય છે. વિદ્યા વિનયથી જ મળે છે અને નમ્રતાથી જ શોભે છે.
મા શારદાના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વતને ઉપયુક્ત એવું માર્ગદર્શન પણ મળી રહે છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે, સાચો સારસ્વત પણ તેવો જ હોવો જોઈએ. કુન્દ પુષ્પ સૌરભ પ્રસારે છે. તો સાચા સારસ્વતનું જીવનપુષ્પ જ્ઞાનની સૌરભથી મધમધે છે. ચંદ્ર શીતળતા બક્ષે છે તો સારસ્વતના જીવનવૃક્ષની શીળી છાયામાં સંતપ્ત જીવોને સાચી શાંતિ સાંપડે છે. વૃક્ષનાં પાન પર પડેલું તુષારબિંદુ મોતીની શોભા ધારણ કરીને વૃક્ષનું સૌંદર્ય વધારે છે તો મા શારદાના સાચા ઉપાસકના અસ્તિત્વમાત્રથી સંસાર વૃક્ષની શોભા વધે છે. સરસ્વતીના કંઠમાં મોતીઓની માળા શોભે છે, એ જ રીતે સૌ સારસ્વતોએ એક સૂત્રમાં પરોવાઈને એક સાથે કામ કરવાની તૈયારી રાખવી જોઈએ. વિદ્વાનોની શક્તિનો વ્યવસ્થિત વિનિયોગ કોઈપણ અસાધ્ય કાર્યને સુસાધ્ય બનાવે છે.
મા સરસ્વતીએ શુભ્ર વસ્ત્રો ધારણ કર્યા છે. સારસ્વત પણ મન, વચન અને કર્મથી શુભ્ર હોવો જોઈએ. સંસ્કાર ઘડતરના સ્વામીઓ અર્થાત્ મા-બાપ, શિક્ષકો, ઉપદેશકો, નેતાઓ વગેરે સૌએ પવિત્ર જીવન જીવવાનો આગ્રહ રાખવો જોઈએ. પોતાની કોઈ કમજોરીના કારણે એ શક્ય ન હોય ત્યારે ઓછા નામે તેમણે સમાજ સામે તો શુભ્રરૂપમાં જ રજૂ થવું જોઈએ, જેથી સમાજ પર એમની કમજોરીની વિકૃત અસર ન પડે.