________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
અભિનંદનના ઉદ્દગારો, ચારે તરફથી સ્વયંભૂ પ્રકટી ઉઠયા હતા, તે એ બે વિદ્વાનો પ્રત્યે ગુજરાતી જનતાના અગાધ માન અને આભારની લાગણીના સૂચક હતા. લગભગ પચાસ વર્ષ થયાં તેઓ એકનિષ્ઠાથી સાહિત્ય સેવા કરતા રહ્યા છે, અને તે સેવા જેમ અપૂર્વ તેમ કિંમતી છે. પંચોતેરમે વર્ષે પણ તેઓ આપણને એમની ઉત્તમ કૃતિઓ, એમના પરિપકવ વિચાર અને બહોળા જ્ઞાનનો નિષ્કર્ષ, આપવાનું ચૂક્યા નથી.
પંદરેક વર્ષપર શ્રીયુત નરસિંહરાવને મુંબઈ યુનિવરસિટિએ વિસન ફાઈલોલોજીકલ લેકચર્સ આપવાને નિમંત્રણ કર્યું હતું. એ એક અસાધારણ માન હતું. અને વ્યાખ્યાતાએ પોતાના વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે એમ કોઈપણ તે વ્યાખ્યાનનું પુસ્તક જેનાર કહેશે. એ વ્યાખ્યાનને એક ભાગ સન ૧૯૨૫માં પ્રસિદ્ધ થયા હતા, અને અધુરો રહેલો બીજો ભાગ આ વર્ષે બહાર પડયો હતો. ગુજરાતી ભાષા સાહિત્યને લગતાં પુસ્તકમાં એ એક સંગીન અને ઉત્તમ પુસ્તક છે એમ કહેવામાં અમે અતિશયોક્તિ કરતા નથી. એમના ભાષાશાસ્ત્ર વિષેના વિચાર વિષે અમે કાંઈ અભિપ્રાય આપી શકીએ એમ નથી પણ એમણે ૬ઠ્ઠી વ્યાખ્યાનમાં ગુજરાતી સાહિત્યનું ઐતિહાસિક દિગ્દર્શન વિદ્વતાભર્યું કરેલું છે; તે મનનીય માલુમ પડશે; પણ એમાંના કેટલાક અભિપ્રાયો વિષે અમને ભીતિ છે કે તેના અભ્યાસીઓમાં મતભેદ રહેવાનો.
પ્રાકૃત ભાષાના વિકાસ અને ઉત્ક્રાંતિ વિષે ડે. સર રામકૃષ્ણનાં વિલ્સન ફાઈલોલોજીકલ વ્યાખ્યાનો જેમ સર્વમાન્ય અને અભ્યાસ યોગ્ય નિવડ્યાં છે તેમ શ્રીયુત નરસિંહરાવનાં ગુજરાતી ભાષા ને સાહિત્ય વિષેનાં વ્યાખ્યાનો–બે પુસ્તકમાં-એ વિષયના અભ્યાસીને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થઈ પડશે; તે સંબંધમાં એક ન્હાની પણ નોંધવા જેવી બીના એ છે કે શ્રીયુત નરસિંહરાવે સદરહુ વ્યાખ્યાનોનું પુસ્તક એમના ગુરૂ ડો. સર રામકૃષ્ણ ભાંડારકરને અર્પણ કર્યું છે. એ ગુરુદક્ષિણા પાછળ રહેલ શિષ્યને પૂજ્ય ભાવ ખાસ આદરણીય છે. એવા કૃતજ્ઞી શિષ્યને કોણ ન પ્રશંસે?
સન ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું એમનું બીજુ પુસ્તક “વિવર્ત લીલા' એ નવીન કૃતિ નથી; પણ “વસન્તમાં અગાઉ “જ્ઞાનબાળ”ની સંજ્ઞાથી એમણે ૧૯ લેખો લખ્યા હતા તે પુસ્તકાકારે એમાં સંકલિત કર્યા છે.