________________
આપ્તવાણી-૫
૩૯
અવસ્થામાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થ
પ્રશ્નકર્તા : આ વીતરાગની ગેરહાજરીમાં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને અને હાજરીમાં સ્વસ્થ રહેવાય, એવું કેમ બને છે ?
દાદાશ્રી : હાજરીમાં તો સ્વસ્થ રહે જ. અસ્વસ્થ રહે છે એ આપણી બુદ્ધિ રખાવડાવે છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અને અહંકારવાળી બુદ્ધિ છે તે આ અસ્વસ્થ કરાવડાવે છે. એનો જો ‘એન્ડ’ આવી જાય તો અસ્વસ્થ થવાનું કોઈ કારણ જ નથી.
પ્રશ્નકર્તા : ભૌતિક રીતે તો એ શક્ય ના હોય ને ?
દાદાશ્રી : ના, શક્ય ના હોય ! છતાંય પણ જેટલો લાભ મળ્યો એટલો સાચો ! નહીં તો પોતાની બુદ્ધિ અને અહંકાર નિકાલ કરતાં કરતાં ખલાસ થઈ જશે, એટલે પછી એની મેળે જ નિરંતર સ્વસ્થતા રહેશે, સ્વમાં રહેવા માટે સ્વસ્થતા અને આ છે તે અવસ્થાઓમાં રહે છે માટે અસ્વસ્થતા. અવસ્થા બધી વિનાશી છે, સ્વ અવિનાશી છે. તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે અને નહીં તો પેલો અસ્વસ્થ રહ્યા કરે.
પ્રશ્નકર્તા ઃ અવસ્થામાં અસ્વસ્થ રહે છે, તે પોતે જોઈ શકે છે ને જાણી શકે છે છતાંય સ્વસ્થ નથી રહેવાતું, એટલું બુદ્ધિનું આવરણ વધારે કહેવાય ?
દાદાશ્રી : ના, ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદાએ આત્મા આપેલો છે, ‘શુદ્ધાત્મા’ તે જ આ બધું જોનાર છે. ‘તે' રૂપે ‘આપણે’ રહીએ તો કશી ભાંજગડ નથી. નહીં તો સ્વસ્થ અને અસ્વસ્થ જોવા જઈએ તો પાર જ નથી આવે એવો.
પ્રશ્નકર્તા : એની ચાવી કઈ ?
દાદાશ્રી : સ્વસ્થ થાય કે અસ્વસ્થ થાય, બેઉનો જાણકાર શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં, ‘ફોરેન’માં હાથ ઘાલે છે. સ્વસ્થ થાઓ કે અસ્વસ્થ થાઓ અમારે ‘જાણ્યા’ સાથે કામ છે. આ બધી પૌદ્ગલિક અવસ્થા છે અને પૌદ્ગલિક અવસ્થાને જાણે તે ‘શુદ્ધાત્મા’
४०
આપ્તવાણી-૫
કહેવાય. પૌદ્ગલિક એટલે પૂરણ-ગલન થયેલી ! જે અસ્વસ્થતા તમને આવે છે તે પૂરણ થયેલી હોય તો જ અત્યારે આવે, તે અત્યારે આવીને ગલન થઈ જાય.
‘ફોરેન’માં હાથ ઘાલ્યો કે દાઝયા વગર રહે જ નહીં. અમે ‘ફોરેન’માં હાથ ઘાલીએ જ નહીં. કારણ કે આમ જે ફળ મળવાનું છે તે તો મળવાનું જ છે. ઉપરાંત એણે હાથ ઘાલ્યો તેનું ‘ડબલ’ ફળ મળે છે. બે ખોટ ખાય છે. આપણે એક જ ખોટ ખાવાની. ‘ચંદુભાઈ’ અસ્વસ્થ છે એવું ‘તમારે’ જાણ્યા કરવાનું, એ પા કલાક પછી ખલાસ થઈ જશે. ‘જોયા’ કરશો તો બે ખોટ નહીં જાય.
પ્રશ્નકર્તા : અસ્વસ્થતાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય ?
દાદાશ્રી : હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ ‘તમે’ શુદ્ધાત્મા તરીકે જોયા કરશો તો એ ગમે એટલું આવરણ હોય તોય એ
ઝપાટાબંધ ઊડી જશે. એનો ઉકેલ આવી જાય ને એમાં પોતે હાથ ઘાલવા ગયો હોય તો મારીને માથાકૂટ ઊભી થાય.
જ્ઞાતીનો અશાતા ઉદય
પ્રશ્નકર્તા : વીતરાગ પુરુષોને શારીરિક દુઃખ આવે. દા. ત. આપને પગનું ‘ફ્રેક્ચર’ થયું, તો એમાં પોતે કેવી રીતે મુક્ત રહે ? વેદના તો બધાંને થાય એવી જ થાયને ?
દાદાશ્રી : એમણે સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા
હોય. ‘આ મન મારું છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલો હોય. ‘બુદ્ધિ મારી છે, વાણી મારી છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે, ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર'.
આ દેહેય મારો છે એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. એટલે પછી શું કહે - ‘આ પબ્લિક ટ્રસ્ટ’ છે. એટલે પછી એમને અત્યારે દાઢ દુખતી હોય તો અસર થાય, પણ તેને ‘અમે’ ‘જાણીએ’, વેદીએ નહીં. જ્યારે