________________
આપ્તવાણી-પ
૧૭૩
પ્રશ્નકર્તા : ‘દાદા' મને જ્ઞાન આપે, પણ મારામાં સમજવાની શક્તિ ના હોય તો શું કરવું ?
દાદાશ્રી : મહીં આત્મા છે ને, જીવતા છો એટલે બધું થઈ જશે. તમારામાં સમજવાની શક્તિ હોય, એવું જો હું પાસ કરવા બેસું તો કોઈ પાસ જ ના થાય. એટલા માટે મેં શરૂઆતમાં ઋષભદેવ ભગવાનની મૂર્તિ પાસે વાત કરીને પૂછેલું કે આ અક્રમ વિજ્ઞાન આપવું હોય તો કોને આપવું ? પાસ થવા તેત્રીસ ટકા માર્ક જોઈએ ને કોઈ ત્રણ ટકાની ઉપર આવતું નથી. ત્યારે ભગવાને કહ્યું કે ત્રણ ટકાવાળાને આપો. તે ય પછી પાર વેલ્યુવાળાને આપવા માંડ્યા. એટલે કે ઝીરો માર્કવાળા ! અત્યારે માઈનસ માર્કવાળાઓને આ જ્ઞાન અપાય છે.
પ્રશ્નકર્તા : સાંભરતાં જ અમને જે દાદા ભગવાનનાં દર્શન થાય અને રસ્તો દેખાડે, એ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાના આધારે છે ?
દાદાશ્રી : એ સ્વભાવથી જ છે બધું ! એમાં શુદ્ધ ચેતન ‘સાયલન્ટ’ હોય છે ! આ લાઈટ ‘સાયલન્ટ’ છે, લાઈટના આધારે બધી ક્રિયા કરે કે ના કરે ? ‘લાઈટ'નો નફો મળે !
પ્રશ્નકર્તા : યાદ કરતાં જ, ‘દાદા ભગવાન’ હાજર થાય. એ ક્રિયા શુદ્ધ ચેતનના આધારે થતી બહારની ક્રિયા છે ?
દાદાશ્રી : આધાર નહીં, એ તો સ્વાભાવિક ક્રિયા છે. મહીં સૂક્ષ્મ શરીરનું ખેંચાણ થવું, એ સ્વાભાવિક ક્રિયા છે.
પ્રશ્નકર્તા : પણ એ પુદ્ગલના ભાગમાં હોય ને ?
દાદાશ્રી : બધું પુદ્ગલ જ કહેવાય. જગત એને ચેતન માને છે, ખરેખર ત્યાં ચેતન છે જ નહીં. કોઈ ચેતન સુધી પહોંચ્યો નથી ! ચેતનના પડછાયા સુધી પહોંચ્યો નથી !
પ્રશ્નકર્તા : જ્ઞાની અને જ્ઞાન અવતાર, એ બેમાં શો ફેર છે ? દાદાશ્રી : એમાં ખાસ કોઈ ફેર હોય નહીં, પણ જ્ઞાની તો એવું
આપ્તવાણી-૫
છે ને કે બધાંયને, શાસ્ત્રના જ્ઞાનીનેય જ્ઞાની જ કહે છે ને ? પછી તે શાસ્ત્ર ગમે તે હોય. કુરાનેય જાણતો હોય તેનેય જ્ઞાની કહે. એટલે જ્ઞાન અવતાર કહેલું છે. બીજા કોઈથી જ્ઞાન અવતાર લખાય નહીં, જ્ઞાની એકલા જ લખે, એટલો ફેર રહે !
૧૭૪
પ્રશ્નકર્તા : કૃપાળુદેવ જ્ઞાન અવતાર કહેવાયને ? દાદાશ્રી : હા, એ તો જ્ઞાન અવતાર છે.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં શો ફેર ?
દાદાશ્રી : કશોય ફેર નહિ. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ' છે, પણ સત્તાએ કરીને ફેર છે. સત્તા એટલે આવરણને લઈને કેવળજ્ઞાન ના દેખાય. બહારનું દેખાય. સત્તા એની એ જ હોય. જેમ કોઈને દોઢ નંબરનાં ચશ્માં હોય અને કોઈને ચશ્માં ના હોય તો, ફેર પડે ને ? એના જેવું છે !
પ્રશ્નકર્તા : યુગ પુરુષ થશે આપણા શાસનમાં ?
દાદાશ્રી : થશે ને ! યુગ પુરુષ ના થાય તો, આ દુનિયા કેવી રીતે ચાલશે ? કુદરતને ગરજ છે, એમાં આપણે ગરજ રાખવાની જરૂર નથી. જન્મોત્રી ય જોવાની જરૂર નથી. એ તો કુદરતના નિયમથી જ થાય. આપણે આપણી તૈયારી રાખો; બિસ્તરા-પોટલાં બાંધીને ગાડી ક્યારે આવે ને બેસી જઈએ એવી તૈયારી રાખો.
પ્રશ્નકર્તા : ગાડી સાચી આવી કે ખોટી આવી, તેની ખબર શી રીતે પડે ?
દાદાશ્રી : એવી શંકા પડે તો ઘેર જવાનું. ભગવાનને ત્યાં શંકાવાળાનું તો કામ જ નથી. આ ગાડીઓમાં ખરું-ખોટું કરવાનું ના હોય. સમજવામાં ખરું-ખોટું કરવાનું હોય.
પ્રશ્નકર્તા : ભક્ત અને જ્ઞાની, એ બેમાં ફેર ખરો ?
દાદાશ્રી : હા, સેવ્ય અને સેવક જેવો ફેર છે ! ભક્ત એ સેવક છે, તે પછી એ સેવ્ય થવાના. જ્ઞાની સેવ્ય છે અને ભક્તો સેવક છે.