Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શુભવિપાક ભોગવનારા બંને પાત્રો દુઃખ સુખના વિરાટ ભોગવટો કરી ઘણા જન્મો સુધી કર્મના પ્રચંડ અનુભવો કરી છેવટે મુક્તિ પામે છે અર્થાત્ પાપ - પુણ્યથી નિવૃત્ત થઈ સ્વ સ્વરૂપમાં સ્થિત થઇ જાય છે. શાસ્ત્રકારે આ બધા કથાનાયકોને મુક્તિના સાધક માન્યા છે અને જે દુરાત્માઓના નામ શાસ્ત્રમાં અંકિત થયા છે તેનું પણ મહત્ત્વ પ્રગટ કરી ઘણા જન્માંતરોની યાત્રા કરીને તેમને મુક્તિ માર્ગના યાત્રી બનાવ્યા છે.
હવે આપણે વિપાક સૂત્ર ઉપર ચર્ચા કરીએ. કોઇપણ દ્રવ્ય કે ગુણાત્મક ભાવોનો કાલાન્તરે પરિપાક થતો હોય છે. કોઈ પણ એક પર્યાય શીધ્ર એકાએક વિપરીત પર્યાયમાં બદલાતી નથી, પરંતુ એક પર્યાયને અનુરૂપ બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરિણામે ક્ષણિક પર્યાયથી ઉત્પન્ન થતો પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં, વ્યક્તિમાં કે પદાર્થમાં એક વિશેષ પ્રકારનો પરિપાક પ્રગટ કરે છે.
આમ પાક, પરિપાક, વિપાક કે તેને મળતા બીજા સુપાક જેવા શબ્દો વિચારી શકાય છે. સામાન્ય પરિસ્થિતિમાં કોઈ નિમિત્તના આધારે જે કોઇ પરિવર્તનો એક ચોક્કસ સ્થિતિને પ્રગટ કરે અને સંપૂર્ણ દ્રવ્યને આવરી લે, તો તે પરિપાક ગણાય છે પરંતુ વિશેષ પરિસ્થિતિમાં વિશેષ નિયમોના આધારે અને જેમાં કોઇ પ્રકારના સાધનથી કે પરિવર્તન કરવાની શક્યતાથી આવી જે પાક અવસ્થા અર્થાત્ પક્વ અવસ્થા છે તેને વિપાક કહે છે.
આપણા આ શાસ્ત્રમાં વિપાક શબ્દ એ કોઈ બાહ્ય પૂલ, ભૌતિક વિપાકનો સ્પર્શ ન કરતાં કર્મના વિપાકને સ્પર્શે છે. મનુષ્યના કર્મથી ઉત્પન્ન થતો જે કાંઇ કર્મનો સંચય છે તે નિશ્ચિત કાળ સુધી સત્તા રૂપે રહી, તેમાં કેટલાંક વિગુણોનો ઉમેરો કરી,પરિપક્વ થઈ જ્યારે તે ફળ આપવાને યોગ્ય બને, ફળ સન્મુખ થાય છે ત્યારે તેને જૈનશાસ્ત્રોમાં કર્મનો વિપાક ગણવામાં આવે છે. ઉદયમાન કર્મો સામાન્ય સૂક્ષ્મધારાથી ફળ આપવાની શરૂઆત કરે, ત્યારે જીવાત્મા તેનો અનુભવ કરી શકતો નથી પરંતુ એ જ કર્મો જ્યારે એક સાથે વિસ્ફોટ કરે અથવા પ્રલય રૂપે વિલય ન પામતા એક સાથે અસંખ્ય કર્મ સ્કંધો છૂટા પડે ત્યારે કર્મશાસ્ત્રનું ગણિત તેને વિપાક અથવા વિપાકોદય કહે છે. વિપાકનો સીધો અર્થ છે કડવો કે મીઠો સાક્ષાત અનુભવ. વિપાકની આ પરંપરા એક આવલિકા પૂરતી જ નથી પરંતુ આ ક્રમ જીંદગી સુધી, ઘણા જન્મો સુધી લગાતાર ગાઢ પ્રવાહ રૂપે પ્રવાહિત થઇ જીવને ઘણા લાંબા સમય સુધી કડવા મીઠા ફળનો અનુભવ કરાવે છે. આ રીતે જૈન શાસ્ત્રમાં વિપાક શબ્દ ઘણો