Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કર્મ સિદ્ધાંત - ચિંતન .
| ૨૦૩ |
ઉપરોક્ત બન્ને મતોનું ઊંડાણથી ચિંતન કરવાથી એટલું સ્પષ્ટ જણાય છે કે વેદોમાં કર્મસંબંધી માન્યતાઓનો સંપૂર્ણરૂપે અભાવ તો નથી પરંતુ દેવવાદ અને યજ્ઞવાદની પ્રમુખતાના કારણે કર્મવાદનું વિશ્લેષણ એકદમ ગૌણ બની ગયું. એ તો ચોક્કસ વાત છે કે કર્મ શું છે? તે કેવી રીતે બંધાય છે? આત્મા તેનાથી કેવી રીતે મુક્ત બને છે? વગેરે જિજ્ઞાસાઓનું સમાધાન વૈદિક સંહિતાઓમાં નથી. ત્યાં તો મુખ્યતઃ યજ્ઞકર્મને જ કર્મ માનેલ છે અને ડગલે ને પગલે દૈવી સહાયની યાચના કરેલ છે. જ્યારે યજ્ઞ અને દેવની અપેક્ષાએ કર્મવાદનું મહત્ત્વ સવિશેષ વધવા લાગ્યું ત્યારે તેના સમર્થકોએ ઉક્ત બંને વાદોનો કર્મવાદની સાથે સમન્વય કરવાનો પ્રયાસ કર્યો અને યજ્ઞથી જ સમસ્ત ફળની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકાર કર્યો. આ મંતવ્યનું દાર્શનિક રૂપ મીમાંસાદર્શન છે. યજ્ઞ વિષયક વિચારણાની સાથે દેવ વિષયક વિચારણાનો પણ વિકાસ થયો. બ્રાહ્મણકાળમાં અનેક દેવોને સ્થાને એક પ્રજાપતિ દેવની પ્રતિષ્ઠા થઈ. તેણે પણ કર્મની સાથે પ્રજાપતિને જોડીને કહ્યું– પ્રાણી સ્વ કર્માનુસાર અવશ્ય ફળ પ્રાપ્ત કરે છે પરંતુ ફળ પ્રાપ્તિ સ્વયં ન થતાં પ્રજાપતિ દ્વારા થાય છે. પ્રજાપતિ (ઈશ્વર) જીવોને સ્વકર્માનુસાર ફળ પ્રદાન કરે છે. તે ન્યાયાધીશ છે. આ વિચારધારાનું દાર્શનિક રૂપ ન્યાય, વૈશેષિક, સાંખ્ય વગેરે વેદાંત દર્શનમાં થયેલ છે.
યજ્ઞ આદિ અનુષ્ઠાનોને વૈદિક પરંપરામાં કર્મ કહેલ છે. તે અસ્થાયી છે. તે જ સમયે નાશ પામે તો તે ફળ કેવી રીતે આપે? તેથી ફળ પ્રદાન કરનારા એક અદષ્ટ પદાર્થની કલ્પના કરવામાં આવી. તેને મીમાંસાદર્શનમાં "અપૂર્વ" કહેલ છે. વૈશેષિક દર્શનમાં "અદષ્ટ" એક ગુણ માનેલ છે, જેના ધર્મ, અધર્મ એમ બે ભેદ છે. ન્યાયદર્શનમાં ધર્મ અને અધર્મને "સંસ્કાર" કહેલ છે. શુભાશુભ કર્મોના આત્મા પર સંસ્કાર પડે છે તે અદષ્ટ છે. 'અદષ્ટ' આત્માનો ગુણ છે કે જ્યાં સુધી તેનું ફળ ન મળે ત્યાં સુધી તે આત્માની સાથે રહે છે. તેનું ફળ ઈશ્વરના માધ્યમથી મળે છે. કદાચ જો ઈશ્વર કર્મ ફળની વ્યવસ્થા ન કરે તો કર્મ નિષ્ફળ થઈ જાય. સાંખ્ય કર્મને પ્રકૃતિનો વિકાર કહે છે. શ્રેષ્ઠ અને હીન પ્રવૃત્તિઓના સંસ્કાર પ્રવૃત્તિ પર પડે છે. તે પ્રવૃત્તિગત સંસ્કારથી જ કર્મોનાં ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વૈદિક પરંપરામાં કર્મવાદનો વિકાસ થયો છે. (૫) બૌદ્ધદર્શનમાં કર્મ :
બૌદ્ધ અને જૈન આ બંને કર્મપ્રધાન શ્રમણ સંસ્કૃતિની ધારાઓ છે. બૌદ્ધ પરંપરાએ પણ કર્મની અદષ્ટ શક્તિ વિશે ચિંતન કરેલ છે. તેનો અભિપ્રાય છે કે જીવોમાં જે વિચિત્રતા દષ્ટિગોચર થાય છે તે કર્મકત છે. લોભ, મોહ, રાગદ્વેષથી કર્મની ઉત્પત્તિ થાય છે. રાગદ્વેષ અને મોહયુક્ત બનીને પ્રાણી મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ કરે છે અને રાગદ્વેષ, મોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સંસારચક્ર નિરંતર ચાલે છે. તે ચક્ર અનાદિ છે, તેનો આદિ કે અંત નથી.
એક વાર રાજા મિલિન્દ આચાર્ય નાગસેનને પ્રશ્ન કર્યો કે કૃતકર્મ ક્યાં રહે છે? આચાર્યે કહ્યું– કર્મ ક્યાં રહે છે તે દેખાતું નથી.
વિશુદ્ધિમગ્નમાં કર્મને અરૂપી કહેલ છે. અભિધર્મકોષમાં તે અવિજ્ઞપ્તિ રૂપ કહેલ છે. તે રૂપ સપ્રતિપદ્ય નથી, અપ્રતિપદ્ય છે. સૌત્રાન્તિક મતની દષ્ટિએ કર્મ અરૂપ છે. તે અવિજ્ઞપ્તિને માનતા નથી. બૌદ્ધોએ કર્મને સૂક્ષ્મ માનેલ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કર્મ કહેવાય છે પરંતુ તે વિજ્ઞપ્તિરૂપ