Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૮ ]
શ્રી વિપાક સૂત્ર
ભગવાન- હે ગૌતમ! અસંયત, સંયતાસંયત અને સંયત આ પ્રત્યેક જીવ કર્મ બાંધે છે. સારાંશ એ છે કે સકર્મ આત્મા જ કર્મ બાંધે છે, તેના પર જ કર્મનો પ્રભાવ પડે છે. -ભગવતી સૂત્રો
(૧ર) કર્મબંધના કારણો :
જીવનો કર્મ સાથે અનાદિ સંબંધ છે પરંતુ કર્મ કયા કારણોથી બંધાય છે તે જિજ્ઞાસાથી ગૌતમે પૂછ્યું- ભગવન્! જીવ કર્મ કેવી રીતે બાંધે છે? ભગવાન- ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી દર્શનાવરણીય કર્મનો તીવ્ર ઉદય થાય છે. દર્શનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી દર્શનમોહનો ઉદય થાય છે. દર્શનમોહના તીવ્ર ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી જીવ આઠ પ્રકારનાં કર્મો બાંધે છે.
સ્થાનાંગ, સમવાયાંગમાં કર્મબંધના પાંચ કારણ બતાવ્યા છે– (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (૫) યોગ.
સંક્ષેપથી કર્મબંધના બે કારણ છે– કષાય અને યોગ. કર્મબંધના ચાર ભેદ છે– પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. પ્રકૃતિ અને પ્રદેશનો બંધ યોગથી થાય છે, સ્થિતિ અને અનુભાગનો બંધ કષાયથી થાય છે. સંક્ષેપમાં જોઈએ તો કષાય જ કર્મબંધનું મુખ્ય કારણ છે. કષાયના અભાવમાં સાંપરાયિક કર્મનો બંધ થતો નથી. દસમા ગુણસ્થાન સુધી બંને કારણ રહે છે તેથી ત્યાં સુધી સાંપરાયિક બંધ હોય છે. કષાય અને યોગથી સાંપરાયિક બંધ થાય છે અને વીતરાગી જીવ કેવળ યોગના નિમિત્તથી કે ગમનાગમનાદિ ક્રિયાઓથી જે કર્મબંધ કરે છે તેને ઈર્યાપથિક બંધ કહેવાય છે. ઈર્યાપથ-કર્મની સ્થિતિ ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્રમાં બે સમયની માનેલ છે. યોગ હોવા છતાં પણ જો કષાયનો અભાવ હોય તો ઉપાર્જિત કર્મની સ્થિતિ અથવા રસનો બંધ પડતો નથી.
સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય જ છે. વિસ્તારથી કષાયના ચાર ભેદ છે- ક્રોધ, માન, માયા, લોભ. સ્થાનાંગ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં કર્મબંધના આ ચાર કારણ બતાવ્યાં છે. સંક્ષેપમાં કષાયના બે ભેદ છે– રાગ અને દ્વેષ. આમાં ચારેયનો સમાવેશ થઈ જાય છે. રાગમાં માયા અને લોભ તથા શ્રેષમાં ક્રોધ અને માનનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષથી આઠે ય કર્મોનો બંધ થાય છે તેથી રાગદ્વેષને જ ભાવકર્મ માનેલ છે. રાગ-દ્વેષનું મૂળ મોહ જ છે.
આચાર્ય હરિભદ્ર લખ્યું છે કે તેલ ચોપડેલા મનુષ્યના શરીર પર ઊડતી ધૂળ ચોંટી જાય છે તે જ પ્રમાણે રાગદ્વેષની ચિકાશથી આત્મા પર કર્મરજ ચોંટે છે તેથી કર્મબંધ થાય છે.
મિથ્યાત્વને કર્મબંધનું કારણ કહ્યું છે. તેમાં પણ રાગદ્વેષ જ મુખ્ય છે. રાગદ્વેષની તીવ્રતાથી જ જ્ઞાન વિપરીત બને છે. તે સિવાય જ્યાં મિથ્યાત્વ હોય છે ત્યાં બીજાં કારણો સ્વયં હોય જ છે. તેથી શબ્દભેદ હોવા છતાં પણ બધાનો સાર એક જ છે. માત્ર સંક્ષેપ-વિસ્તારના વિવક્ષાભેદથી ઉક્ત કથન સમજવું જોઈએ.
જૈનદર્શનની જેમ બૌદ્ધદર્શન પણ કર્મબંધનું કારણ મિથ્યાજ્ઞાન અને મોહ માને છે. ન્યાયદર્શનનું મંતવ્ય પણ એ જ છે કે મિથ્યાજ્ઞાન જ મોહ છે. પ્રસ્તુત મોહ માત્ર તત્ત્વનું જ્ઞાન ન થવા દે. એટલું જ નથી