Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૮ ]
શ્રી વિપાક સૂત્ર
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને 1000 રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને પ00 રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન અને ભોગ-ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો.
કાલાંતરે મહાસેન રાજા મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસક્ત હતો; અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો તેથી દરેક રાણીઓએ પોતાની માતાઓને તે વાત કહી. રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતા શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી અને તેઓએ એક યુક્તિ કરી.
બધી જ રાણીઓની માતાઓને બહુમાનપૂર્વક આમંત્રણ મોકલ્યું. એક વિશાળ કૂટાગાર શાળામાં બધાની ઉતરવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉડ્યા અને પોતાના અનુચરોની સાથે કૂટાગાર શાળા પાસે ગયા. તે શાળાના બધા દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુક્ત જીવન જીવતો ૩૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમ સુધી ભયંકર દુઃખ ભોગવી, દેવદત્તાના રૂપે જન્મ્યો. તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે.
અનેક ભવોમાં ભ્રમણ કરતી અંતે ગંગપુર નગરમાં હંસ બનશે. અન્ય દ્વારા મૃત્યુ પામી શ્રેષ્ઠીપુત્ર રૂપે જન્મી, સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સંયમ આરાધના કરી મોક્ષે જશે.