Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૫૩
ત્રિ દ્વિતીય શ્રુતસ્કંધ
( સુખવિપાક સૂત્ર )
પરિચય :
શ્રી વિપાકસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધ-સુખવિપાક સૂત્રમાં કર્મોના શુભફળ અને તવિષયક કથાનકોનો ઉલ્લેખ છે.
કાર્મણજાતિના પુગલો જીવની સાથે બદ્ધ થાય તે પહેલાં એક સમાન સ્વભાવવાળા હોય પરંતુ જ્યારે તે જીવની સાથે બંધાય ત્યારે જીવના યોગના નિમિત્તથી તેનામાં વિવિધ પ્રકારના સ્વભાવ(પ્રકૃતિ) ઉત્પન્ન થઈ જાય છે. તે સ્વભાવ જ જૈનાગમમાં "કર્મ પ્રકૃતિ"ના નામથી પ્રસિદ્ધ છે. એવી પ્રકૃતિઓ મૂળ આઠ છે, પછી તેના અવાંતર અનેકાનેક ભેદ-પ્રભેદ પડે છે.
કર્મપ્રકૃતિઓ વિપાકની દષ્ટિએ બે ભાગમાં વિભક્ત છે– અશુભ અને શુભ. જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોની બધી અવાંતર પ્રવૃતિઓ અશુભ છે. અઘાતિ કર્મોની પ્રકૃતિઓના બે ભેદ છે. તેમાં કેટલીક અશુભ છે અને કેટલીક શુભ છે. અશુભ પ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે. જેનું ફળ–વિપાક જીવને માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય અને દુઃખ રૂપ હોય છે. શુભ કર્મપ્રકૃતિઓનું ફળ તેનાથી વિપરીતઈષ્ટ, કાંત, પ્રિય અને સાંસારિક સુખને આપનાર છે. બંને પ્રકારનાં ફળ–વિપાકને સરળ, સરસ અને સુગમ રૂપે સમજવા માટે વિપાક સૂત્રની રચના થઈ છે.
જો કે પાપ અને પુણ્ય બંને પ્રકારની કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ મોક્ષ મળે. તેમ છતાં પણ બંને પ્રકારની પ્રકૃતિઓમાં કેટલું અને કેવું અંતર છે તે વિપાક સૂત્રમાં વર્ણિત કથાનકોનાં માધ્યમથી સમજી શકાય છે.
દુઃખવિપાક સૂત્રના કથાનાયક મૃગાપુત્ર આદિ અને સુખવિપાક સૂત્રના કથાનાયક સુબાહુકુમાર આદિ બંને પ્રકારના કથાનાયકોની ચરમ સ્થિતિ–અંત એક સમાન છે, તો પણ મોક્ષે જાય તે પહેલાંના તેના સંસાર પરિભ્રમણનું ચિત્ર વિશેષ વિચારણીય છે. પાપાચારી મૃગાપુત્ર આદિને ઘોરતર, ઘોરતમ દુઃખમય દુર્ગતિઓમાંથી દીર્ઘ-દીર્ઘતર કાળ સુધી પસાર થવું પડશે. અનેકાનેકવાર નરકોમાં, એકેન્દ્રિયોમાં તથા બીજી અત્યંત વિષમ એવં ત્રાસજનક યોનિઓમાં દુસ્સહ વેદનાઓ ભોગવવી પડશે. ત્યાર પછી ક્યાંક તે માનવ ભવ પામી તે જીવો સિદ્ધગતિને પ્રાપ્ત થશે.