________________
શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલા આત્મસ્વરૂપમાં રમણ કરવાનું સામર્થ્ય આ ગુણસ્થાનમાં છે. અસહ્ય અપાર એવા દુઃખમાં પણ શાંત અને સ્વસ્થપણું દેખાતું હોય તો તે આ ગુણસ્થાનનો પ્રભાવ છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનના મૂર્તિમંત સ્વરૂપનો પરિચય કરાવનારા આ ગુણસ્થાનકનો મહિમા શાસ્ત્રોમાં અનેક રીતે ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યો છે. આ રીતે છઠ્ઠી ગુણસ્થાનકે પ્રમાદાદિની પરવશતાનો ત્યાગ કરી ખૂબ જ વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થવાથી સાધુભગવંતોને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. દેશોન(૮ વર્ષ ન્યૂન) પૂર્વ કરોડ વર્ષના કાળમાં પણ આ સાતમા ગુણસ્થાનકનો સમગ્રકાળ માત્ર ૧ અંતર્મુહુર્ત જેટલો હોય છે. શ્રી તીર્થંકર પરમાત્મા જ્યારે સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરે છે, ત્યારે ચોથા ગુણસ્થાનકેથી સીધા સાતમા અપ્રમત્તગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને આ જ ગુણસ્થાનકે ચોથા મન:પર્યવજ્ઞાનની પણ તેઓશ્રીને પ્રાપ્તિ થાય છે. માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહેનારી આ ગુણસ્થાનકની સ્થિતિને પામ્યા વિના છઠ્ઠા ગુણઠાણે રહેવાનું શક્ય નથી. આ સાત ગુણસ્થાનક સુધીનો વિકાસ આ ભવમાં આપણે સૌ કરી શકીએ છીએ. આપણે સૌ એવા દેશકાળમાં જન્મ્યા છીએ કે આગળનાં ૮ થી માંડી ૧૪ ગુણસ્થાનક સુધીનાં સાત ગુણસ્થાનકનો સ્પર્શ કોઈ પણ રીતે આ દેશ-કાળમાં શક્ય નથી. પરંતુ સાતમા ગુણસ્થાનક સુધીનો સાધનામાર્ગ એવો અભ્યસ્ત બનાવીએ કે ભવાંતરમાં આગળનાં સાત ગુણસ્થાનકની પ્રાપ્તિ ખૂબ જ સરળ બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org