________________
પ્રસ્તાવના
આપણા ગ્રંથોમાં આર્યભૂમિ અને અનાર્યભૂમિની વાતો આવે છે. આ બેમાં શું ફેર હોય છે? એની કંઈક કલ્પના આવે એટલા માટે ભારતદેશને આર્યભૂમિ કલ્પીએ, અને એ સિવાયની અનાર્ય, ભૂમિ.. એમ કલ્પીએ. તો આ બેમાં એક મહત્ત્વનો તફાવત આવો જણાય છે... જે દર્શનો-જે ધર્મો ભારત દેશની આર્યભૂમિમાંથી ઉદ્દભવ પામ્યા છે... તે બધામાંથી એક ચાર્વાકને છોડી દઈએ તો શેષ બધા દર્શનોમાં પાયો એક સમાન છે. પછી ચાહે એ જૈન દર્શન હોય, બૌદ્ધ દર્શન હોય કે સાંખ્ય-વેદાન્ત-ન્યાય-વૈશેષિક દર્શન હોય... બધા જ આત્મતત્ત્વને માને છે. અનાદિ કાળથી એમાં જડતત્ત્વ અશુદ્ધિ રૂપે ભળેલું છે. આ અશુદ્ધિના કારણે જ જીવનું સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. તથા ચારે ગતિમાં દુઃખો વેઠવા પડે છે. આ અશુદ્ધિ દૂર થાય તો આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આ શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ છે. આ અશુદ્ધિ દૂર થઈ શકે છે. એને દૂર કરવાના ઉપાયો છે. એ ઉપાયો દ્વારા આત્માને શુદ્ધ કરવો એ જ માનવજીવનનું મુખ્ય કર્તવ્ય છે. જો આ ન થતું હોય તો, પૌદ્ગલિક સમૃદ્ધિ ગમે તેટલી હોય તો પણ એની કશી કિંમત નથી. કોઈ મહત્ત્વ નથી.
હવે ભારત દેશની બહારની ભૂમિમાંથી જે ધર્મો ઉદ્ભવ્યા છે તે ઈસાઈ-ઈસ્લામ-યહુદીપારસી વગેરે ધર્મોની વાતો કરીએ. કદાચ આત્મા-પુણ્ય-પાપ-પરલોક વગેરે માનતા હોય તો પણ એ વાત મુખ્ય નથી. પરલોકમાં પણ ભવાંતર જ માને છે. પરલોક મોક્ષની કોઈ કલ્પના જ નથી. વિષય-કષાયની અમુક માત્રા સુધી મંદતા થાય એટલે ભયો ભયો માનનારા છે. આ મંદતા હોય.. ભૌતિક સમૃદ્ધિ હોય... દયા-પરોપકાર-નીતિ વગેરે માનવતા કક્ષાના ગુણો હોય, એટલે ઊંચામાં ઊંચું લક્ષ્ય પામી ગયા એવી કલ્પના છે. વિષય-કષાયની લાગણીઓ પર સંપૂર્ણ વિજય મેળવવાનું કોઈ લક્ષ્ય નથી. આત્મામાં અશુદ્ધિ ભળેલી છે એ દૂર થઈ શકે છે વગેરેની કોઈ કલ્પના નથી... પુદ્ગલાતીત સુખની કોઈ જાણકારી કે શ્રદ્ધા જ નથી, પછી એના ઉપાયો-પુરૂષાર્થની તો વાત જ
ક્યાં ?
- ભારતભૂમિ આર્યભૂમિ કેમ કહેવાય છે? એનું એક કારણ આના પરથી સ્પષ્ટ છે. અલબત્ જૈન-બૌદ્ધ વગેરે દર્શનોનો પાયો એક સમાન છે. એક ચેતનદ્રવ્ય, એમાં અશુદ્ધિ, એના કારણે સંસારભ્રમણ, અશુદ્ધિને અલગ કરી શકાય છે, અશુદ્ધિ દૂર થાય એટલે મોક્ષ... એ જ સાધના યોગ્ય છે... જો કે ચેતન તત્ત્વના નામ-સ્વરૂપ વગેરેમાં ફેરફાર પણ છે. જેમકે જૂદા જૂદા દર્શનકારો આત્મા-પુરુષ-બ્રહ્મ વગેરે નામે ચેતનને ઓળખે છે. એમાં ભળનારી અશુદ્ધિને કર્મ-પ્રકૃતિ-અવિદ્યાવાસના-અપૂર્વ-અદષ્ટ વગેરે નામે પિછાણે છે. તથા આત્માને કોઈક એકાંત નિત્ય માને છે. તો - કોઈક એકાન્ત અનિત્ય-ક્ષણિક.. જૈનદર્શન નિત્યાનિત્ય માને છે તથા એને કોઈક બ્રહ્માંડવ્યાપી