________________
(૨૦)
દર્શાવ્યો છે. ક્રમશઃ અગ્યારમાં ગુણઠાણાનું વર્ણન ને પછી ઉપશમ શ્રેણીથી પ્રતિપાતનું વિસ્તારથી વર્ણન... એમાં પ્રકૃતિઓ અનુપશાંત થવાની પ્રક્રિયા, અંતરપૂરણક્રિયાક્રમ, ગુણશ્રેણિ આયામ, પડવાના તે તે કાળે તે તે પ્રકૃતિનો સ્થિતિબંધ, તે તે કાળે થતાં સ્થિતિબંધનું અલ્પબહુત્વ, વીર્યંતરાયાદિનો સર્વઘાતી રસબંધ પ્રારંભ, સ્થિતિબંધના અલ્પબહુત્વમાં ક્રમપરિવર્તન, અનિવૃત્તિકરણનો અંત, અપૂર્વકરણ પ્રારંભથી દેશોપશમના વગેરે ખુલ્લા થવા, કષાય મોહનીયની ગુણશ્રેણિના આયામમાં ચાર વાર વૃદ્ધિ યથાપ્રવૃતકરણ વગેરેનું સાંગોપાંગ વર્ણન છે. વેદકષાયાદિનાનાત્વે શ્રેણિમાં નાનાત્વ, પતમાનમાં નાનાત્વ વગેરેનું નિરૂપણ પણ જિજ્ઞાસાને સારી પેઠે તૃપ્ત કરે છે. છેલ્લે ૯૯ બોલના અલ્પબહુત્વ સાથે ઉપશમશ્રેણિ અધિકાર પૂર્ણ થાય છે. ત્યારબાદ કરણકૃત દેશોપશમનાના વર્ણન સાથે ગ્રન્થનિરૂપણ પૂર્ણ થાય છે.
ગ્રન્થ સમાપ્તિ બાદ જુદા જુદા પરિશિષ્ટોમાં સ્થિતિબંધ, ઉદ્ધાર પલ્યોપમ વગેરે પ્રસિદ્ધ પદાર્થો અંગે જે વિશેષ ઊંડાણથી વિચારવિમર્શ કરેલ છે અને એનો તાળો મેળવી આપવા અનેક સ્થળે જે સૂક્ષ્મ ગણિત રજૂ કર્યું છે એનાથી જિજ્ઞાસુઓનો બોધ વિશદ થવા સાથે ૨સ પણ સારો વધશે એવી આશા અસ્થાને નથી. તથા છઠ્ઠા પરિશિષ્ટમાં આપેલા યંત્રો અધ્યેતાને પદાર્થબોધ સરળતાથી વધુ સ્પષ્ટ થવામાં ખૂબ સહાયક બનશે એવી શ્રદ્ધા છે.
આ ગ્રન્થની વિશેષતા એ છે કે જ્યાં જ્યાં હેતુની વિચારણા શક્ય બની છે ત્યાં ત્યાં તે તે પદાર્થ સહેતુ વિચારવાનો પ્રયાસ કરાયો છે. તથા વર્તમાનમાં .તે તે પદાર્થ અંગે જે કોઈ મતાંતર જે જે ગ્રન્થમાં ઉપલબ્ધ હોય છે એ બધાનો લગભગ આ ગ્રન્થમાં નિર્દેશ કરાયેલો છે. આ કારણે પદાર્થોનું સ્પષ્ટીકરણ નિઃશંક થવામાં અને પદાર્થ અનેક રીતે સ્પષ્ટ થવામાં ઘણી સહાયતા મળી રહે છે.
આ ગ્રન્થના મૂળભૂત ગ્રન્થ કર્મપ્રકૃતિ સંગ્રહણીના કર્તા છે શ્રી શિવશર્મસૂરિ મહારાજ. તેઓશ્રીના જન્મ, દીક્ષા, આચાર્ય પદવી વગેરે સંબંધી કોઈ હકીકત હજી સુધી. પ્રકાશમાં આવી નથી. પણ તેઓ પૂર્વધર હતા એ વાત અનેક ગ્રન્થો પરથી જણાય છે. તેઓશ્રીએ બીજા અગ્રાયણીય પૂર્વમાંથી શતક નામે પાંચમો કર્મગ્રન્થ પણ બનાવ્યો છે. એના પરથી શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે પાંચમો કર્મગ્રન્થ એ જ નામે બનાવેલો છે, ને તેથી એની ટીકાના મંગળાચરણમાં તેઓશ્રીની આ પ્રમાણે સ્તુતિ કરી છે કે -
=
अग्रायणीयपूर्वादुद्धृत्य परोपकारसारधिया ।
येनाभ्यधायि शतकः स जयति शिवशर्मसूरिवरः ॥
ચૂર્ણિકાર : સમર્થ ટીકાકાર એવા શ્રી મલયગિરિ મહારાજ તથા ઉપાધ્યાયજી મહારાજ પણ જે ચૂર્ણિ વચનોના સહારે જ વૃત્તિ રચના કરી શક્યા છે તે પ્રાચીન ચૂર્ણિના ચૂર્ણિકાર કોણ છે? એ હજી સુધી નિર્ણય થઈ શક્યો નથી. પણ જૈન સાહિત્યમાં ચૂર્ણિ સાહિત્યના પિતા તરીકે પ્રસિદ્ધ શ્રી જિનદાસમહત્તર જ આ ચૂર્ણિના પણ રચયિતા હોય તો કાંઈ અચરજ નથી.