________________
(૧૩) જિતેન્દ્રવિજયજી મહારાજ, મુનિશ્રી જયશેખરવિજયજી મહારાજ, મુનિશ્રી જગચ્ચન્દ્રવિજયજી મહારાજ, મુનિશ્રી વિચક્ષણવિજયજી મહારાજ, મુનિશ્રી અક્ષયવિજયજી મહારાજ વગેરેએ ટીકાગ્રંથોના નિર્માણ
કર્યા
પરમગુરુદેવનું વતન પિંડવાડા હતું. પિંડવાડા સંઘને પરમગુરુદેવ ઉપર અત્યંત બહુમાન હતું. પિંડવાડામાં ‘ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ દ્વારા આ ગ્રંથોના પ્રકાશનની સંપૂર્ણ - જવાબદારી લેવામાં આવી. આ રીતે વિશાળ કર્મસાહિત્ય સર્જનનું કાર્ય શરૂ થયું.
સં. ૨૦૨૨ ના પૂજ્યપાદશ્રીના અમદાવાદ ચોમાસા પ્રસંગે અમદાવાદના અનેક આચાર્યો, પંન્યાસો, મુનિઓની પુણ્યનિશ્રામાં “ખવગસેઢી” અને “બંધવિહાણ ભાગ-૧” ગ્રંથોનું ઉદ્ઘાટન પ્રકાશ હાઈસ્કૂલના મેદાનમાં દબદબાભરી રીતે થયું. આ પ્રસંગે સમસ્ત જૈન શ્રુત સાહિત્યનું એક સુંદર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા અનેક આત્માઓને પ્રભુશાસનના ગ્રંથોનો પરિચય થયો. જિનશાસનના સાહિત્યને જોઈ અનેક પુણ્યાત્માઓ ઓવારી ગયા. “અવગણેઢી અને “બંધવિહાણ” બંને ગ્રંથોને ખૂબ જ બહુમાનપૂર્વક હાથીની અંબાડીએ ગોઠવીને વરઘોડો ખૂબ ઉલ્લાસપૂર્વક નીકળ્યો. પૂર્વેના કલિકાલ સર્વજ્ઞના “સિદ્ધહેમ વ્યાકરણ” ની યાદ કરાવે તેવો પ્રસંગ થયો. અનેક શ્રેષ્ઠિવર્યોએ પણ ગ્રંથપ્રકાશનમાં ઉદાર ચિત્તે લાભ લીધો. ક્રમસર ગ્રંથો તૈયાર થઈ પ્રકાશિત થવા માંડ્યા...
આ રીતે પરમગુરુદેવશ્રીની ઈચ્છાપૂર્તિ સ્વરૂપ વિશાળ કર્મસાહિત્યનું નિર્માણ થયું. જો કે પૂજ્યપાદશ્રીની ઈચ્છા આઠ કરણ, ઉદય અને સત્તા ઉપર વિશાળ સાહિત્ય નિર્માણ કરવાની હતી. પણ પૂજ્યપાદશ્રીની ઉત્તરાવસ્થામાં કાર્ય ઢીલું પડ્યું. છતાં બંધવિહાણ વગેરે સાહિત્યનું નિર્માણ થયું છે એ પણ મોટું કાર્ય થયું છે.
વિશાળ કર્મસાહિત્યના સર્જનના ઈતિહાસની આ સંક્ષેપમાં રૂપરેખા જણાવી છે.
પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિથી મોક્ષ સુધીની બધી પ્રક્રિયા “ઉપશમનાકરણ” અને “ક્ષપકશ્રેણિ' આ બે ગ્રંથોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. માટે આ બંને ગ્રંથો મોક્ષમાર્ગના સાધક જીવો માટે ખૂબ જ મહત્ત્વના છે.
વર્ષો પૂર્વે (લગભગ પચાસ વર્ષ પૂર્વે) લખાયેલ આ વિવેચન એમ જ પડી રહેલ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજે આ લખાણને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા સૂચના કરી. ઘણા પરિશ્રમે આ ગ્રંથ તૈયાર થયો છે. કર્મસાહિત્યના અભ્યાસના રસિયા જીવો માટે આ ગ્રંથ ખુબ જ લાભદાયી થશે.
સૌ કોઈ આવા ગ્રંથોના પઠન-પાઠન-ચિંતન-મનન દ્વારા વિપુલ કર્મનિર્જરા સાધી શીઘ મુક્તિને પામો એ જ શુભાભિલાષા. પાલનપુર
સમતાસાગર, ગુરુસમર્પિત સ્વ. પૂ. સં. ૨૦૬૪, શ્રાવણ સુદ-૧૨, બુધવાર
ગુરુદેવશ્રી પં. પદ્મવિજયજી મ.નો શિષ્યાણ
હેમચન્દ્રસૂરિ