________________
કાર્યકરો શિથિલ થયા. એવામાં જ દેશભંગના કારણે (ઉઘરાણી વગેરે નહીં થવાથી) ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. આના કારણે બંધાયેલા કર્મથી તે અસંખ્ય ભવ સંસારમાં ભટક્યો. આ દેરાસર સંબંધી ચિંતા કાર્યમાં શિથિલતા અંગે દૃષ્ટાંત છે.
દેરાસરની વસ્તુઓ અંગે ધ્યાન રાખવા જેવી બાબતો તેમજ દેવદ્રવ્યઆદિમાં જે આપવાનું હોય, તે સારું જ આપવું. ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું. તેમ જ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળિયાં, માટી, ખડી, આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદરવા, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ, કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઇને પરનાળાના માર્ગે આવેલું પાણી વગેરે પણ પોતાના કામ માટે નહીં વાપરવા. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. વળી ચામર, તંબુઆદિ વાપરવાથી મલિન થવાનો તથા તૂટવા- ફાટવાના સંભવમાં વધારાનો દોષ પણ લાગે છે. ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવા. તેમ કરે, તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દૃષ્ટાંત છે કે
મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દષ્ટાંત ઇંદ્રપુરનગરમાં દેવસેન નામે એક વેપારી હતો. ધનસેન નામનો ઊંટસવાર એનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘરે આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઇ જાય, તો પણ તે પાછી દેવસેનને ઘરે જ આવી રહે. તેથી દેવસેને તેને વેચાતી લઇને પોતાના ઘરમાં રાખી. પરસ્પર બંને (દેવસેન અને ઊંટડી) પ્રીતિવાળાં થયાં. એકવાર જ્ઞાની મુનિરાજને દેવસેને ઊંટડી પ્રત્યે સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી ! એણે ભગવાન આગળ દીવો કર્યા પછી તે જ દીવાથી ઘરના તમામ કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી તે ઊંટડી થઇ” કહ્યું છે કે- જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેનાથી જ પોતાના ઘરનાં કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારા બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધીથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દૃષ્ટાંત છે.
તેથી ભગવાન આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય. પ્રભુ આગળ કરેલા દીવાથી પોતાને માટે બીજો દીવો પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પોતાના કપાળાદિમાં તિલક નહીં કરવું. ભગવાનના પાણીથી હાથ પણ ધોવાય નહીં. દેવની શેષ (નમણ) પણ નીચે પડેલું કે પડતું સ્વલ્પમાત્ર લેવું. પરંતુ પ્રભુના શરીરથી ઉતારીને લેવું નહી. (આજકાલ આ રીતે વાસક્ષેપ, નમણ જળ વગેરે લેવાતું દેખાય છે, તે ઉચિત લાગતુ નથી.) ભગવાનના ભેરી, ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરુની અથવા સંઘની આગળ વગાડાય નહીં. અહીં કેટલાકનો મત એવો છે કે જો પુષ્ટાલંબને (મહત્ત્વના પ્રયોજનથી) દેરાસરસંબંધી ઝલ્લરીવગેરે ગુરુઅંગે લેવાય, તો પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મોટો નકરો આપવો. કહ્યું છે
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯૮