________________
સંભળાયું - કે સંભાવના ન કરાઇ હોય, એ બધું સજ્જનોને પ્રાપ્ત થાય છે. નોકરની જેમ આને તળિયા ઘસતો જોઇ રત્નસારે ઉભા થઇ પ્રેમપૂર્વક કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! અજ્ઞ મનુષ્યમાત્ર એવા મેં તમારી જે અવજ્ઞા કરી, તે માટે ક્ષમા માંગુ છું . તમે કરેલી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તેથી તમે વરદાન માંગો, જે દુસાધ્ય હશે, તે પણ સાધી આપીશ.
આ સાંભળી વિસ્મય પામેલો રાક્ષસ વિચારવા માંડ્યો - ઓહો ! અહીં તો બધું ઉભું થઇ રહ્યું છે. જગતમાં દેવ ખુશ થઇ માણસને વરદાન માંગવા કહે, અહીં આ માણસ દેવને વરદાન માંગવા કહે છે. ગજબ છે, હવાડાનું પાણી કુવામાં પ્રવેશે એવી વાત છે. કલ્પવૃક્ષ સેવા કરનાર પાસે ઇષ્ટ માંગે કે સૂર્ય પ્રકાશમાટે બીજા પાસે પ્રાર્થના કરે એવી આ વાત છે. વળી આ માણસ મને દેવને શું આપી શકે? મારે વળી મનુષ્યપાસે શું માંગવાનું? છતાં કાં’ક માંગુ... એમ વિચારી એણે કુમારને કહ્યું - જે દેવ માંગનારને ત્રણ લોકમાં દુર્લભ ચીજ પણ આપી શકે છે, એ દેવ તારી પાસે શું માંગવાનો? ‘હું માંગુ’ એવા વિચારમાત્રથી ચિત્તમાં રહેલા ગુણો જતા રહે છે, ને ‘હું માંગુ છું’ એમ બોલવા માત્રથી શરીરમાં રહેલા ગુણો પણ જતા રહે છે. માર્ગણ (બાણ અને યાચક) બંને રીતે પીડે. એક શ૨ી૨માં જાય તો ને એકપ૨ નજ૨ પણ જાય, તો. ધૂળ લઘુ (=હલકી) છે, તેનાથી લઘુ તૃણ છે. તેથી લઘુ રૂ છે. તેથી લઘુ પવન છે અને તેનાથી લઘુ યાચક છે. પણ યાચકથી લઘુ (તુચ્છ) યાચનાભંજક (માંગનારને નહીં આપના૨) છે. કહ્યું જ છે - હે માતા ! તું બીજા પાસે માંગવાવાળા પુત્રને જન્મ નહીં આપતી તથા બીજાની યાચનાનો ભંગ કરનારને તો ગર્ભ તરીકે પણ ધારણ કરતી નહીં.
તેથી હે ઉદાર શિરોમણિ ! રત્નસારકુમાર ! જો તમે મેં કરેલી પ્રાર્થનાનો કોઇ પણ રીતે ભંગ ક૨વાના નહીં હો, તો જ તમારી પાસે પ્રાર્થના-યાચના કરું. કુમારે કહ્યું - જે કાંઇ મારાથી ધન, ચિત્ત, વાણી, પરાક્રમ, પ્રયત્ન, શરીરથી કે જીવિતવ્ય વગેરેથી સાધી શકાશે, તે બધું જ હું સાધીશ. ત્યારે રાક્ષસે કહ્યું - હે શ્રેષ્ઠીપુત્ર ! જો એમ જ હોય, તો તમે આ નગરના રાજા થાવ. તમારી સંપૂર્ણ ગુણરાશિ જોઇ હર્ષપૂર્વક હું તને રાજ્ય આપું છું. તું તારી ઇચ્છા મુજબ રાજ્ય ભોગવ. દિવ્ય ઋદ્ધિઓ, દિવ્ય ભોગો, સૈન્યવગેરે તારે જે કાંઇ પણ જોઇશે, તે તને વશ થયેલો હું નોકરની જેમ હંમેશા આપતો રહીશ. સઘળા ય દુશ્મન રાજાઓ પર મારાદ્વારા તારો પ્રતાપ વધતો જ રહેશે ! હું અને બીજા દેવોની સહાયથી તું આ સમગ્ર પૃથ્વીનો એક માત્ર ચક્રવર્તી રાજા બની રહે. અહીં તું ઇંદ્ર જેવી ઋદ્ધિનો સ્વામી થા, કે જેથી સ્વર્ગમાં પણ તારા ગીતો દેવાંગનાઓ ગાય.
આ સાંભળી રત્નસાર ચિત્તમાં ચમક્યો. (વચન આપતી વખતે માણસે પોતાના વ્રત-નિયમવગેરેનો પણ પૂરો ખ્યાલ રાખવો જોઇએ. આ ચૂક રત્નસારથી થઇ.) એણે વિચાર્યું - અહો ! મારા પ્રકૃષ્ટ પુણ્યથી આ મને રાજ્ય આપવા માંગે છે. પણ મેં તો પૂર્વે જ ગુરુભગવંત પાસે પાંચમાં અણુવ્રતમાં રાજા નહીં થવાનો નિયમ લીધો છે. આ બાજુ આની આગળ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તમે જે કહેશો, તે કરીશ ! મારે તો એક બાજુ વાઘ અને બીજી બાજુ નદીનો ન્યાય આવીને ઊભો. હવે શું કરવું? એક બાજુ પ્રાર્થનાભંગ છે, બીજી બાજુ વ્રતભંગ ! આ તો ભારે સંકટ આવીને ઊભું. અથવા તો આને બીજી પ્રાર્થના કરવા કહું... કેમકે આર્યપુરુષો ક્યારેય પણ વ્રત-નિયમ તોડતા નથી. એવું દાક્ષિણ્ય પણ નકામું કે જે ધર્મમાટે બાધારૂપ બને. એવા સોનાથી સર્યું કે જેનાથી કાન કપાઇ જાય. શરીરની જેમ જ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૯૫